Get The App

ઉનાળાના આરંભ પૂર્વે રાજ્યમાં 74 ટકા જળસંગ્રહ : સૌરાષ્ટ્રમાં માત્ર 60 ટકા પાણી

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળાના આરંભ પૂર્વે રાજ્યમાં 74 ટકા જળસંગ્રહ : સૌરાષ્ટ્રમાં માત્ર 60 ટકા પાણી 1 - image

માર્ચથી જૂન જળ વ્યવસ્થાપન ન થાય તો જળધાંધિયાની શક્યતા  : 3 માસમાં સ્ટોરેજમાં સૌરાષ્ટ્ર 28 ટકા, ગુજરાતમાં 21 ટકા ઘટાડોઃ ઓવરફ્લો થયેલા નર્મદા ડેમમાં 4 માસમાં 24 ટકા જળસંગ્રહ ઘટયો

રાજકોટ, : રવિવારથી શરૂ થતા માર્ચથી જૂનના 4 માસ ઉનાળાના અને ભારતીય પરંપરા પ્રમાણે વસંત અને ગ્રીષ્મ ઋતુના છે અને આવતીકાલે ફેબુ્રઆરી માસ પૂરો થઈ રહ્યો છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં ચોમાસાના અંત વખતે 98  ટકાનો જળસંગ્રહ હતો તે ઘટીને 74.40 ટકા થયો છે જ્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં 60 ટકા અને કચ્છ જિ.માં માત્ર 40 ટકાનો જ સ્ટોરેજ છે. 

એકંદરે રાજ્યમાં આજની સ્થિતિએ 6,63,670 MCFT પાણી કૂલ 207 જળાશયોમાં સંગ્રહિત છે જે ગત વર્ષની સાપેક્ષે 38,277 MCFT  વધારે છે. આમ, એકંદરે માર્ચથી જૂન દરમિયાન પાણીનો સમતોલ અને ઉચીત ઉપયોગની વ્યવસ્થા નહીં થાય તો વિતરણ વ્યવસ્થાને લીધે પાણીનો પ્રશ્ન સર્જાવાની શક્યતા છે. 

પ્રાપ્ત વિગત અનુસાર ગત ચોમાસામાં સામાન્યથી ઘણો અધિક વરસાદ વરસતા નવેમ્બર- 2025ના અંતે સૌરાષ્ટ્રમાં 88 ટકા સહિત રાજ્યમાં સરેરાશ 95 ટકા સ્ટોરેજ રહ્યો હતો. 3 માસમાં આ પૈકી સૌરાષ્ટ્રના જળસંગ્રહમાં 28 ટકા અને ગુજરાતમાં એકંદરે 21 ટકાનો ઘટાડો થયો છે. 

સૌરાષ્ટ્રના  મોટાભાગના શહેરો,ગામો માટે જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે ચોમાસાના અંતે તા. 31-10-2025 ની સ્થિતિએ છલકાઈને જળસંગ્રહ પૂરો 100 ટકા (3,34,079 MCFT) થયો હતો જે આજે 75.8 ટકા (2,43,533 MCFT) રહ્યો છે. 4 માસમાં આશરે 24 ટકા પાણીનો વપરાશ થયો છે. રાજકોટ સહિત મોટા નગરોમાં અત્યારથી જ નર્મદા ડેમથી ડેમો ભરવામાં આવ્યા છે.