ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સરકારી શાળાઓના વીજ બિલમાં 724 કરોડથી વધુ યુનિટની બચત થઈ

એક ઊર્જા કાર્યક્ષમ પંખાથી 54 યુનિટ તથા એક LED ટ્યુબ લાઇટથી 94 યુનિટની વાર્ષિક બચત

LED ટ્યુબ લાઇટ અને ઉર્જા કાર્યક્ષમ પંખાઓ થકી કાર્બન ઉત્સર્જનમાં 72 હજાર ટનથી વધુનો ઘટાડો

Updated: Jun 3rd, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સરકારી શાળાઓના વીજ બિલમાં 724 કરોડથી વધુ યુનિટની બચત થઈ 1 - image

pixabay




ગાંધીનગરઃ આજે 'ગ્રીન ગુજરાત કલીન ગુજરાત' અને 'ગો ગ્રીન'ના મંત્ર થકી બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પર્યાવરણ જાળવણી માટે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી રાજ્યમાં હજારો ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની સાથે સાથે કરોડો રૂપિયાની બચત કરવામાં આવી છે. રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાઓમાં LED ટ્યુબલાઇટ અને ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટડ પંખાઓ લગાવીને છેલ્લા પાંચ વર્ષથી વધુના સમયમાં કાર્બન ઉત્સર્જનમાં 72 હજાર ટનથી વધુનો ઘટાડો કરવામાં તથા 724 કરોડથી વધુ યુનિટની બચત કરવામાં સફળતા મેળવી છે. 

પંખા વિનામૂલ્યે આપવાની યોજના
રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા અનેક ટકાઉ પહેલો અંતર્ગત વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. જે આજે પર્યાવરણની જાળવણીમાં મહામૂલું યોગદાન આપી રહી છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજ્ન્સીના માધ્યમથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉર્જા LED ટ્યુબ લાઇટ તથા કાર્યક્ષમ પંખા વિનામૂલ્યે આપવાની યોજના શરૂ કરી હતી. 

17819 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો
સર્વશિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ આ યોજના અંતર્ગત વર્ષ 2017-18થી માર્ચ 2023 સુધી ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ એજ્ન્સી દ્વારા 100 ટકા સરકારી સહાયથી કુલ 10869 સરકારી પ્રાથમિક શાળાઓમાં 97440 નંગ સ્ટાર રેટેડ પંખા અંદાજિત 11.32 કરોડના ખર્ચે લગાવવામાં આવ્યાં છે. જેના થકી 178.2 કરોડ યુનિટની ઉર્જા બચત અને 17819 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

40થી 50 ટકા વીજળીની બચત કરી શકાય
આ ઊર્જા કાર્યક્ષમ પંખાઓ 75-100 વોટના બદલે 50 વોટ વીજળી વાપરે છે એટલે કે 40થી 50 ટકા વીજળીની બચત કરી શકાય છે. આમ, આવા પંખાઓના ઉપયોગ થકી સરકારી પ્રાથમિક શાળાઓ  પ્રતિવર્ષ એક પંખા દીઠ 54 યુનિટની બચત કરે છે. ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુ 18945 જેટલા ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટેડ પંખા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા વર્ષ 2017-18થી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ વિતરણ અંગેની યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. 

LED ટ્યુબલાઈટ દીઠ 94 યુનિટની બચત કરે છે
આ યોજના અંતર્ગત વર્ષ 2017-18 થી માર્ચ-2023 અંતિત સુધીમાં સર્વશિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી દ્વારા 100 ટકા સરકારી સહાયથી કુલ 13913 સરકારી પ્રાથમિક શાળાઓમાં 136621 નંગ LED ટ્યુબલાઈટ અંદાજિત 4.64 કરોડના ખર્ચે લગાવવામાં આવી છે. જેના થકી અત્યાર સુધીમાં આશરે 546.1 કરોડ યુનિટની ઉર્જા બચત અને 54606 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ લગાવવાથી સરકારી પ્રાથમિક શાળાઓ પ્રતિવર્ષ એક LED ટ્યુબલાઈટ દીઠ 94 યુનિટની બચત કરે છે. વર્ષ 2023-24  દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 26730 જેટલી ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News