કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા બટુકભાઈ વેલાભાઈ રાંક નામના પટેલ જ્ઞાતિના 72 વર્ષના બુઝુર્ગ ગઈકાલે પોતાના ઘેર લાકડીના ટેકે ચાલીને બહાર આવી રહ્યા હતા, જે દરમિયાન તેઓ અકસ્માતે નીચે પટકાઇ પડ્યા હતા, અને બેશુદ્ધ બન્યા હતા.
તેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અતુલ બટુકભાઈ પટેલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી જઈ બુઝુર્ગ ના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.