Gujarat

ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર

By GS TEAM
13 Jan 20262 mins read
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર

વડોદરાઃ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઠેરઠેર ભરાતા દોરાને કારણે પક્ષીઓના મોત નીપજતા હોવાના બનાવો બનતા હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા માટે વડોદરા શહેર-જિલ્લામાં ઠેરઠેર રેસ્ક્યૂ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે.

ઉત્તરાયણમાં સેંકડોની સંખ્યામાં નિર્દોષ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બનતા હોવાથી જીવદયા પ્રેમીઓ બચાવ કામગીરી માટે તત્પર રહેતા હોય છે.છેલ્લા ૫ વર્ષ દરમિયાન ૬૪૦૦ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા.જેમાંથી સારવાર આપીને ૫૮૦૦ જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઘણા પક્ષીઓ એવા હોય છે જેમને મદદ કરવા માટે કોઇ આગળ આવતું નથી.જેથી ફોરેસ્ટના અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓએ લોકોને ભરાયેલા દોરા કાઢી લેવા અને ઘાયલ પક્ષીઓ માટે ફાયર  બ્રિગેડ કે અન્ય સંસ્થાઓને તરત જાણ કરવા અપીલ કરી છે.

વડોદરાના આરએફઓ કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે,આ વખતે વડોદરા શહેરમાં અમે જીવદયા સંસ્થાઓની સાથે ૨૯  અને જિલ્લામાં ૪૩ મળી કુલ ૭૨ રેસ્ક્યૂ સેન્ટર ચાલુ કર્યા છે.જે આગામી તા.૨૦ સુધી ચાલશે.ફોરેસ્ટ વિભાગ અને પશુ પાલન વિભાગ દ્વારા ત્રણ ઓપરેશન થિયેટર તૈયાર રાખવામાં આવ્યા છે.જ્યારે ૧૫ ડોક્ટરો અને સ્ટાફ સારવાર આપી રહ્યા છે.૪૦૦ થી વધુ સ્વયંસેવકો આ સેવાકાર્યમાં જોડાયા છે.

પક્ષીઓના રેસ્ક્યૂ માટે દરેક ફાયર સ્ટેશને બબ્બે ટીમો તૈયાર

પક્ષીઓના રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડ દ્વારા પણ વિશેષ તૈયારી રાખવામાં આવી છે.ડેપ્યુટી ચીફ ફાયર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,વડોદરાના ૭ ફાયર સ્ટેશન પર એમ્બ્યુલન્સ સાથે બે ટીમ તૈયાર રાખવામાં આવી છે.જેમાં એક ટીમ ઉંચાઇવાળા સ્થળેથી બચાવ કામગીરી કરશે અને બીજી ટીમ એમ્બ્યુલન્સ તેમજ સારવારની વ્યવસ્થા કરશે.