72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી.
દેશના કૂલ અકસ્માત મોતમાં 36 ટકા હાઈવે ઉપર 80 કિલોમીટરની સ્પીડ લિમિટ માત્ર માલવાહક વાહનો માટે :એક્સપ્રેસ હાઈવે પર કાર 120 કિ.મી.સુધી ચલાવી શકાય છે
રાજકોટ, : તાજેતરમાં કેન્દ્રના રોડ પરિવહન મંત્રાલય દ્વારા અપાયેલી વિગત મૂજબ દેશમાં ઈ.સ. 2022માં 1,68,491ના મૃત્યુ નીપજાવનાર 4,61,312 અકસ્માતો નોંધાયા હતા તેમાં 3,33,323 અકસ્માતો એટલે કે 72 ટકા અકસ્માતો ઓવરસ્પીડના કારણે સર્જાયા હતા. આ વિગત અનુસાર આશરે પોણા ભાગના અકસ્માતો ઓવરસ્પીડથી થાય છે.બીજી તરફ સરકારે જારી કરેલી અન્ય એક માહિતી મૂજબ નેશનલ હાઈવે પર કાર જેવા વાહનો 100 કિ.મી. અને એક્સપ્રેસ હાઈવે પર 120 કિ.મી. સુધી ચલાવી શકાય છે.
સંસદમાં વાહનોની ગતિ મર્યાદા અંગે ગઈકાલે 80 કિલોમીટરની સ્પીડ લિમિટ હવે વ્યવહારૂ નથી તેવા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા પ્રમાણે માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે એપ્રિલ- 2018માં વાહનોના પ્રકાર મૂજબ ગતિમર્યાદા બાંધી છે જેમાં 80 કિ.મી.ની ગતિ મર્યાદા ટ્રાન્સપોર્ટ (માલવાહક) વાહનોને લાગુ પડે છે જ્યારે પ્રાઈવેટ વાહનો રોડના પ્રકાર મૂજબ દેશમાં મહત્તમ 120 કિ.મી.સુધીની ઝડપે ચલાવી શકાય છે.
ઈ.સ.2023 થી 2025 સુધીની અકસ્માતોની વિશ્લેષણાત્મક માહિતી હજુ જારી કરાઈ નથી ત્યારે અદ્યતન માહિતી મૂજબ ઈ.સ. 20222માં દેશમાં 1,67,491 અકસ્માત મૃત્યુમાં 61,308 એટલે કે 36 ટકા નેશનલ હાઈવે (એક્સપ્રેસ વે સહિત) ઉપર સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે હેલમેટ જેવા મુદ્દે ડ્રાઈવ યોજાતી રહે છે પરંતુ, પૂરપાટ બેફામ વેગથી દોડતા વાહનો સામે કડક ઝૂંબેશ થતી નથી તેવી લોકોની ફરિયાદ લાંબા સમયથી છે.