જુવારના વાવેતર વચ્ચે છૂપાવેલી દારૂની 72 બોટલ ઝડપાઈ
પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
પીપળીળા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે રૂ.40,464નો મુદ્દામાલ કબ્જે લીધો
ભાવનગર: બોટાદના પીપળીયા ગામના વાડી વિસ્તારના એક ખેતરમાં જુવારના વાવેતર વચ્ચે છૂપાવાયેલી દારૂની ૭૨ બોટલ ને પોલીસે ઝડપી પાડી હતી અને ફરાર વાડી માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બોટાદના પીપળીયાથી કૃષ્ણનગર રોડ પર પાણીની ટાંકી સામે આવેલી પોતાની વાડીમાં હરદીપ કનુભાઈ ખાચરે જુવારના વાવેતરમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની પાળિયાદ પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગત મોડી રાત્રિના સુમારે દરોડો પાડયો હતો જો કે, દરોડા દરમિયાન વાડીએ કોઈ હાજર મળી આવ્યું નહોતું પરંતુ હરદીપ કનુભાઈ ખાચરની વાડીમાં ઉગારેલા જુવારના પાક વચ્ચે રાખેલા ખાખી રંગના બોક્સમાંથી રૂ.૪૦,૪૬૪ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૭૨ બોટલ મળી આવી હતી. આ અંગે બોટાદ પોલીસે હરદીપ કનુભાઈ ખાચર (રહે.પીપળીયા, તા.જી.બોટાદ) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.