Gujarat

220 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 71.57 ટકા ફાઈનલ મતદાન

By GS TEAM
24 Jun 20252 mins read
220 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 71.57 ટકા ફાઈનલ મતદાન

- પાલિતાણાની બે ગ્રા.પં.ની ચૂંટણીમાં પુરૂષોની તુલનામાં સ્ત્રીઓનું વધુ મતદાન

- કાલે જિલ્લાના 10 સ્થળે સવારે 9 વાગ્યાથી મતગણનાર શરૂ થશે, ઉમેદવારોને જીતનો આશાવાદ

ભાવનગર : ભાવનગર જિલ્લાની ૨૨૦ ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૦.૭ ટકાના તફાવત સાથે ૭૧.૫૭ ટકા ફાઈનલ મતદાન થયાનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પેટા ચૂંટણીમાં ૫૯.૪૬ ટકા મતદાન થયું હતું.

ભાવનગર તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્રની ચૂંટણીમાં ૭૪.૦૫ ટકા, ઘોઘા તાલુકાની ૨૨ ગ્રા.પં.માં ૭૨.૫૬ ટકા, તળાજા તાલુકાની ૩૦ ગ્રા.પં.માં ૬૮.૬૭ ટકા, મહુવા તાલુકાની ૩૬ ગ્રા.પં.માં ૬૯.૭૫ ટકા, જેસર તાલુકાની ૦૪ ગ્રા.પં.માં ૭૧.૦૫ ટકા, પાલિતાણા તાલુકાની ૨૪ ગ્રા.પં.માં ૭૫.૯૮ ટકા, ગારિયાધાર તાલુકાની ૦૮ ગ્રા.પં.માં ૬૨.૨૯ ટકા, સિહોર તાલુકાની ૩૬ ગ્રા.પં.માં ૭૨.૭૨ ટકા, ઉમરાળા તાલુકાની ૦૬ ગ્રા.પં.માં ૬૯.૧૯ અને વલ્લભીપુર તાલુકાની ૨૨ ગ્રા.પં.માં ૭૧.૬૬ ટકા મળી ૨૨૦ ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૧.૫૭ ટકા ઉંચું મતદાન થયું છે.

જિલ્લામાં ૧૩ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ૫૯.૪૬ ટકા મતદાનના આંકડામાં કોઈ ફેરફાર થયો નથી. વધુમાં પાલિતાણા તાલુકાની બે ગ્રામ પંચાયતમાં પુરૂષોના મતદાનની ૬૪.૫૩ ટકા મતદાનની સામે સ્ત્રીઓના મતદાનની ટકાવારી ૬૫.૦૭ ટકા રહી હતી. જિલ્લામાં કુલ ૨૩૩ ગ્રામ પંચાયતમાં રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગામી તા.૨૫-૬ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના ૧૦ મતગણતરી સ્થળોએ મતગણતરી થશે અને સંભવત્ બપોર સુધીમાં વિજેતા સરપંચો અને ૧૩૪૭ સભ્યોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તો દરેક ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, મતદારોએ કોને જીતનો તાજ પહેરાવ્યો છે તે તો મતગણતરીના પરિણામ બાદ જ જાણી શકાશે. અત્યારે તમામ મતપેટીઓ બંદોબસ્ત સાથે સ્ટ્રોગરૂમમાં સીલ છે.