20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં

- કમિશનમાં વધારો, 25 ટકા સુધી જથ્થાની ફાળવણી,પરિપત્રમાં સુધારા સહિત
- અગ્રસચીવ સાથેની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં અસહમતી સધાઈ, અસહકાર આંદોલન રહેશે : પ્રમુખ
તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાના ઠરાવને રદ્દ કરવા, રેશન ડીલરોના કમિશનમાં પ્રતિ કિલોએ રૂા.૩નો વધારો અને મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમ વધારીને રૂા.૩૦,૦૦૦ કરવા, બેન્ક એકાઉન્ટમાં નિયમિત કમિશન જમા થાય, ઈ-પાસબુકમાં નિયત નમૂનામાં અપડેટ મળે તે પ્રકારે સોફ્ટવેરમાં સુધારો કરવા, ૯૪ ટકા વિતરણ બાયોમેટ્રિકથી થયું હોય તેમને ૨૦ હજારનું કમિશન આપવા અંગે પરિપત્રમાં સુધારો કરવા, હિસાબી સમિતિએ સ્થગિત કરેલ હયાતીમાં વારસાઈ કરવાની જોગવાઈને પુનઃ શરૂ કરવા, મેન્યુઅલ રેકર્ડ રજિસ્ટર ફરજિયાત રાખવાના ઠરાવમાં સુધારો કરી મરજીયાત કરવા , કોરોનાથી મૃત્યુ થયેલ હોય તેમને ૨૫ લાખની સહાયના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા, પોર્ટેબિલિટી માટે પાંચ ટકામાંથી ૨૫ ટકા જથ્થો ફાળવવા સહિત વિવિધ ૨૦ પડતર માંગણીઓ અંગે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે તા.૧-૧૧થી ભાવનગરના ૭૦૦ મળી રાજ્યના ૧૫,૩૦૦ રેશન ડીલરો અચોક્કસ મુદ્દતના અસહકાર આંદોલન પર ઉતરી જતાં સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ હતી.
આ અંગે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેશન ડીલરોની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સરકાર દુર્લક્ષ્ય સેવી રહી હોવાથી અસહકાર આંદોલન શરૂ કરાયું છે. આજે સચીવાલયમાં અગ્રસચીવના અધ્યક્ષ્થાને બેઠક મળી હતી. જેમાં ૨૦ પૈકી ૧૧ મુદ્દાઓ પર સહમતી સધાઈ હતી. પરંતુ બાકીની ૯ મુખ્ય માંગણીઓ સંતોષવામાં ન આવતા મંત્રણા પડી ભાંગી હતી. જેથી આગામી દિવસોમાં પણ આ આંદોલનને શરૂ રાખવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

