વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર ગેંગના 700 બેન્ક એકાઉન્ટ રડારમાં,દિલ્હીના બે સાગરીત પકડાયા
વડોદરાઃ વડોદરાના યુવક સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૃપિયા પડાવવાનું ઓનલાઇન ઠગોને ભારે પડયું છે અને પોલીસે દિલ્હીની ગેંગના વધુ બે સાગરીતોને ઝડપી પાડતાં આ કૌભાંડમાં પકડાયેલા સાગરીતોની સંખ્યા છ પર પહોંચી છે.
હરણીરોડના વિજયનગરમાં રહેતા સ્મિત જોષી નામના યુવકને સોશ્યલ મીડિયાના ગુ્રપમાં જોઇન કરી ઇન્વેસ્ટમેન્ટના નામે શરૃઆતમાં ૫૦૦ ટકા પ્રોફિટ અપાવવાની લાલચમાં ફસાવનાર ઠગોએ રૃ.૧૩.૭૦ લાખ પડાવી લીધા હતા.જેથી સાયબર સેલના પીઆઇ જે ડી પરમાર અને ટીમે મોબાઇલ અને બેન્ક ડીટેલ મેળવી ૧૫ દિવસ પહેલાં દિલ્હીની ખાનગી ઓફિસમાંથી ચાર નોકરીયાત યુવકોને ઝડપી પાડયા હતા.
પોલીસે તેમની પાસેથી ૫ લેપટોપ,૨૪ ચેકબૂક,૨૪ મોબાઇલ અને રોકડા રૃ.૫.૫૦ લાખ કબજે કર્યા હતા.જ્યારે,શ્યામ ટ્રેડર્સ જેવી જુદાજુદા નામોની ૧૧ કંપનીના સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા.
પોલીસે ચારેયની પૂછપરછ કર્યા બાદ ઠગ ટોળકીના સંપર્કમાં રહેલા અભિષેક સુભાષચંદ્ર ગર્ગ(પ્રીતમ પુરા, દિલ્હી) અને ઇન્દરપુરણ દશરથ પાલ(રોહિણી, દિલ્હી)ને ઝડપી પાડયા છે.પોલીસે કબજે લીધેલા લેપટોપની ચકાસણી કરતાં ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાયા હોય તેવા ૭૦૦ શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે.જેથી તમામ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનોની તપાસ કરવામાં આવી રહી છે.
પકડાયેલા બંને આરોપીની ઠગાઇના કિસ્સામાં શું ભૂમિકા હતી
વડોદરા સાયબર સેલે કહ્યું છે કે, ઓનલાઇન ઠગાઇના કેસમાં પકડાયેલો દિલ્હીનો ઇન્દર પુરણ દશરથ પાલ અન્ય આરોપીઓની સાથે રહીને ઠગાઇની રકમ જે ખાતામાં જમા થઇ હોય અને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થયુું હોય તે એકાઉન્ટ હોલ્ડરના સંપર્કમાં રહી મદદ કરતો હતો.આવા કેસોમાં પોલીસની વિરૃધ્ધ અરજીઓ કરી તપાસમાં નુકસાન પહોંચાડવાનું કામ કરતો હતો. જ્યારે,અભિષેક ગર્ગ ઠગાઇ માટે વપરાયા હોય તેવા બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો.