વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં બે દિવસના મેકર્સ ફેસ્ટનો આજથી પ્રારંભ થયો છે.યુવાલય અને વડોદરા ઈનોવેશન કાઉન્સિલ સંસ્થાના સહયોગથી આઠમા વર્ષે યોજાઈ રહેલા મેકર્સ ફેસ્ટ માટે ગુજરાત અને ગુજરાત બહારથી આ વખતે વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સના ૫૫૦ જેટલા પ્રોજેકટસને રજૂ કરવા અરજીઓ આવી હતી.જેમાંથી એઆઈ ટેકનોલોજી, રોબોટિક્સ, ડ્રોન્સ, ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ વિષયો પરના ૭૦ પ્રોજેકટસને પસંદ કરીને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.આ વખતે પહેલી વખત મેકર્સ ફેસ્ટ જૂનિયર વિભાગ પણ રાખવામાં આવ્યો છે.જેમાં શાળાના બાળકોના વિવિધ પ્રોજેકટસને રજૂ કરવા માટે તક અપાઈ છે.જેથી નાની વયથી વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, તર્ક શક્તિ અને આત્મવિશ્વાસ જગાવી શકાય.આ પ્રદર્શન તા.૧૧ જાન્યુઆરી, રવિવારે પણ જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે
ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી આપતું ઓટોમેટિક પ્રિન્ટર
ઈન્ફર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો અભ્યાસ કરતા જયેશ ગૌતમ, રીકિન પારેખ, દેવેશ કોટક અને જીષ્ણુ ઠક્કર નામના વિદ્યાર્થીઓની ટીમે જાતે જ કમાન્ડ આપીને કોઈ પણ દસ્તાવેજ પ્રિન્ટ કરી શકાય તેવું પ્રિન્ટર બનાવ્યું છે.આ પ્રિન્ટર પરના ક્યૂઆર કોડને સ્કેન કર્યા બાદ તેની વેબસાઈટ પર ડોક્યુમેન્ટ મોકલવાનો રહે છે.પ્રિન્ટિંગ માટેના પૈસા પણ ઓનલાઈન જ આપવાના રહે છે અને ૧૦ સેકન્ડમાં દસ્તાવેજ પ્રિન્ટ થઈને વ્યક્તિને મળી જાય છે.પ્રિન્ટરની ક્ષમતા એક મિનિટમાં ૫૦ કોપી પ્રિન્ટ કરવાની છે.
સિક્યુરિટી ગાર્ડની ગરજ સારતું રોબોટિક વ્હિકલ
આર્યન જરીવાલા, મીત પટેલ, ટિશા મણિઆર, ખુશી ઉઁધડ નામના બીઈ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડની ગરજ સારતું રોબોટિક વ્હીકલ બનાવ્યું છે.જે કેમ્પસનું પેટ્રોલિંગ કરી શકે છે, ફોટા મોકલી શકે છે અને પોતાનું લોકેશન પણ જીપીએસ સિસ્ટમની મદદથી વ્હીકલ ઓપરેટ કરનારાને જણાવી શકે છે.હવામાં રહેલા કાર્બન ડાયોકસાઈડની માત્રા પણ જાણી શકે છે અને તેની જાણકારી મોકલી શકે છે.તેમાં સુધારા વધારા કરીને તેને સતત ૧૦ થી ૧૨ કલાક પેટ્રોલિંગ માટે વાપરી શકાય છે.
પ્રવાહી ખાદ્ય પદાર્થોમાં રહેલી અશુધ્ધિઓને ફિલ્ટર પેપર પકડી પાડે છે
આયુર્વેદનો અભ્યાસ કરતા અનિથા એચ, પ્રવિણ પ્રતાપ સિંઘ, પૂનમ ભોજક અને મિત પ્રજાપતિની ટીમે દૂધ સહિતના કોઈ પણ પ્રવાહી ખાદ્ય પદાર્થોમાં રહેલી અશુધ્ધિ ફિલ્ટર પેપરની મદદથી પારખી શકાય તેવી ટેકનોલોજી ડેવલપ કરી છે.ફિલ્ટર પેપર હળદર સહિતના તત્વોનું કોટિંગ કર્યુ છે.અલગ અલગ પ્રકારના ચાર ફિલ્ટર પેપર પ્રવાહી ખાદ્ય પદાર્થોના સેમ્પલમાં જો બેક્ટેરિયા સહિતની અશુધ્ધિઓ હોય તો રંગ બદલીને ચાડી ખાય છે.
આગ બૂઝવાતા ડ્રોનનું સફળ પ્રોટોટોઈપ
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ મયંક ધાબાઈ, આયુષ બંડેલ, આર્યન જાંગિરની ટીમે ૨૦ કિલો પે લોડની ક્ષમતાનું વહન કરતું ડ્રોન ડેવલપ કર્યું છે.જે ૩૦ મીટરની ઉંચાઈ સુધી ઉડીને આગ બૂઝાવી શકે છે.વિદ્યાર્થીઓએ તેના પ્રોટોટાઈપનું પણ સફળ પરિક્ષણ કર્યું છે.વોટર સ્ટોરેજ ટેન્ક સાથે પાઈપ થકી તેનું જોડાણ કરાયું છે.ડ્રોનને પંપ થકી પાણી પહોંચાડવામાં આવે છે અને ડ્રોન તેનાથી ફાયર ફાઈટિંગની કામગીરી કરે છે.આ ડ્રોન સતત અડધો કલાકથી એક કલાક કાર્યરત રહી શકે છે.
આંખોને ઠંડક આપતા આયુર્વેદિક ચશ્મા
આયુર્વેદ કોલેજના સંશોધકો ડો.મીત પ્રજાપતિ અને ડો પ્રજ્ઞાા પરમારે આંખોને ઠંડક આપતા અને આંખોની આસપાસ કાળા કુંડાળા દૂર કરતા ચશ્મા ડેવલપ કરવાનો દાવો કર્યો છે.આ ચશ્મામાં તેમણે એલોવેરા સહિતના મેડિસિનલ પ્લાન્ટસની જેલનો ઉપયોગ કર્યો છે.આઁખો દુખે ત્યારે પાંચ થી દસ મિનિટ સુધી આ ચશ્મા પહેરવાથી રાહત મળે છે તેવું સંશોધકોનું કહેવું છે.ચશ્માને તેમણે ચંદ્ર દ્રષ્ટિ નામ આપ્યું છે.
દરવાજો ખોલવા ફિંગર પ્રિન્ટની સાથે ઓટીપીનો વિકલ્પ
આઈટીઆઈના વિદ્યાર્થીઓ પણ ઈનોવેશન ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે.તાજેતરમાં જ ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિકસઅભ્યાસ પૂરો કરનારા વ્રજ પાટડિયા, વૃશિલ માળી તથા જય ઠકકરે શિક્ષક સોનુકુમાર માળીના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ લોક સિસ્ટમ ડેવલપ કરી છે.ઈન્ટરનેટ આધારિત આ સિસ્ટમમાં વ્યક્તિને દરવાજો લોક કરવા માટે ફિંગર પ્રિન્ટ, પાસવર્ડ અને ઓટીપી એમ ત્રણ વિકલ્પ એક સાથે ઉપલબ્ધ થાય છે.ઘર માલિક કોઈ પણ જગ્યાએથી કોઈ પણ મહેમાન માટે ઘરનો દરવાજો ખોલી શકે છે.

બીટેક કર્યા બાદ નોકરી રહેલા સંશોધક રોહિત સાહુએ દિવ્યાંગો માટેની હાથથી ચાલતી વ્હીલચેરને બેટરીથી ચાલતી વ્હીલચેરમાં કન્વર્ટ કરી શકાય તેવી કિટ બનાવી છે.જેનાથી નવી વ્હીલચેર લેવાનો ખર્ચ બચી શકે છે.આ કિટ ફિટ કર્યા બાદ વ્હીલચેરને દસ કિલોમીટર સુધી ઓપરેટ કરી શકાય છે.હાલમાં કિટનું વજન ૨૦ થી ૨૨ કિલો છે પણ હળવી ધાતુંનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકાય છે..


