વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો

Vadodara Gold-Silver Rate : પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીનું ખૂબ મહત્વ છે. પરંતુ ચાલુ વર્ષે સોના ચાંદીનો ભાવ ઓલટાઈમ હાઈ હોવાથી વડોદરાની સોની બજારમાં પણ મંદી જોવા મળી હતી. ભાવ વધારે હોવાથી લોકોએ ખરીદી ટાળી હતી.
આજે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1.17 લાખ તથા 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1.30 લાખ તેમજ ચાંદી પ્રતિ કિલો 1.84 લાખ નોંધાયો હતો. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં આશરે 50થી 70 ટકા ટકા જેટલો ઘટાડો થયો છે. વધુ ભાવ હોવાથી ગ્રાહકોના બજેટ પર અસર વર્તાઈ છે. ગ્રાહકોએ તેમના બજેટમાં સીધો જ કાપ મૂકી માત્ર ઇન્વેસ્ટમેન્ટ તથા લગ્ન પ્રસંગ માટે અથવા શુકન સાચવવા ખરીદી કરી હતી. દિવસે ને દિવસે ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગ્રાહકોએ હજુ આ વધુ ભાવને માન્યતા આપી નથી. જેથી બજારમાં મંદીનો માહોલ છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ મિત્તલ ગીયાનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 30 ટકા વેપાર થયો છે. સોના ચાંદીની લગડી અને લગ્ન સિઝન માટે દાગીનાની ખરીદી થઈ છે. મોટા દેશોમાં આર્થિક મંદી તથા વૈશ્વિક ઉથલપાથલને ધ્યાને લેતા લોકો મેટલમાં ઇન્વેસ્ટ કરવા ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે. ચાઇના સોનુ અને ચાંદી ખરીદી ઉપર વધુ ભાર મૂકી રહ્યું છે. તેમજ ચાંદીનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ વધી રહ્યો છે. મોટાભાગના દેશો નોન પોલ્યુશન તરફ વળતા ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધી રહ્યું છે. જેથી બેટરીમાં તથા સોલાર પેનલમાં ચાંદીના ઉપયોગથી ચાંદીની ડિમાન્ડ ખૂબ વધી છે. જેથી ચાંદીની આવક ઘટતા ભાવ વધી રહ્યા છે.