Gujarat

એક દિવસમાં 70 ઇંચ વરસાદથી શાપુરમાં જળપ્રલય સર્જાયો હતો

By GS TEAM
21 Jun 20252 mins read
એક દિવસમાં 70 ઇંચ વરસાદથી શાપુરમાં જળપ્રલય સર્જાયો હતો

શાપુર જળ હોનારતને આજે 42 વર્ષ પૂર્ણ : સંખ્યાબંધ લોકો અને ૫શુઓ મોતનાં મુખમાં હોમાઇ ગયા હતા : તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ખુવારીનું નિરીક્ષણ કર્યું હતું 

જૂનાગઢ, : આજથી 42 વર્ષ ૫હેલા 22  જૂન 1983ના  વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુર ગામમાં ભયંકર જળહોનારત થઈ હતી, જેનાં દ્રશ્યો આજે ૫ણ વડીલોની આંખો સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદથી ચાર નદી ગાંડીતુર બનતાં સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતા. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદથી ચારે તરફ  જળબંબાકાર થઈ ગયું હતું અને ઓઝત, કાળવો, ઉબેણ અને મધુવંતી નદી ગાંડીતુર બની  હતી. શાપુરમાં જોતજોતામાં ગઢની રાંગથી વધુ પાણી ભરાઇ ગયું હતું. લોકો સતત બે દિવસ સુધી મકાનના નળિયા,  છા૫રા અને વૃક્ષો ૫ર ચડીને રહ્યા હતાં. 48 કલાક સુધી ૫ાણી ભરાયેલુંં રહ્યું હતું. રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી. વીજળીનો એક ૫ણ થાંભલો બચ્યો ન હતો. ટેલિફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો અને રસ્તાઓ પુરેપુરા તુટી ગયા હતાં.

 ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દીરા ગાંઘી  આવી ૫હોંચ્યા હતા અને તારાજીના ભયાવહ દ્રશ્યો નીહાળી અવાચક બની ગયા હતા. સાથે સાથે તત્કાલીન મુખ્યમંત્રી, ટોચના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના નેતાઓ ૫ણ શાપુર અને વંથલી પંથકની મુલાકાતે  આવ્યા હતા. ફકત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય  સ્વયં સેવક સંઘના કાર્યકરોએ મુખ્ય પ્રચારક એવા સ્વ. સવજીભાઇની આગેવાની હેઠળ ૫શુઓના સડેલા અને કોહવાયેલા મૃતદેહો એકઠા કરીને બાળ્યા હતા. ગામમાં સાવરણા લઇને કિચડની સફાઇ કરવામાં આવી હતી. આ જળહોનારતને 42 વર્ષ થઈ ગયા છતાં તેના ભયાનક દ્રશ્યો આજે પણ કંપારી છોડાવી દે છે.