Gujarat

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી

By GS TEAM
8 Sep 20253 mins read
બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી

 વડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહીને યુવકો પાસેથી રૃપિયા પડાવી લઇ છેતરપિંડી કરતા બે આરોપીઓ યુવકોને છેક બરોડા ડેરીમાં અંદર લઇ ગયા હતા. ૭ યુવકો પાસેથી મોટી  રકમ ઉઘરાવીને ફરાર થઇ ગયેલા બંને આરોપીઓની માંજલપુર પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પાદરાના ખોડિયાર ચોકમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો ધંધો કરતા ૩૦ વર્ષના અર્પિત કાલીદાસભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પાદરા ખાતે લગ્ન પ્રસંગમાં મળેલા અમારા દૂરના સગા પ્રિતેશકુમાર ચીમનભાઇ પટેલે મને કહ્યું  હતું કે, હાલમાં હું બરોડા ડેરીમાં ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરૃં છું. હાલમાં વેકન્સી પડવાની છે. કોઇને નોકરી જોઇતી  હોય તો કહેજો. તમારે કાયમી નોકરી જોઇતી હોય તો ૧૪ લાખ આપવા પડશે. મે ઘણા બધાને નોકરી અપાવી છે. જો નોકરી નહી મળે તો પૈસા પરત આપી દઇશ. જૂન - ૨૦૨૪ માં પ્રિતેશે મને વોટ્સએપ પર બરોડા ડેરીનો જોઇનિંગ લેટર મોકલ્યો હતો. તે  જ દિવસે દુષ્યંત રવિન્દ્રભાઇ શિરવીએ મને કોલ કરીને કહ્યું કે, હું પ્રિતેશભાઇનો મિત્ર બોલુ છું. પ્રિતેશે તમને જોઇનિંગ લેટર આપવા કહ્યું હતું. ઓર્ડર મારા  ટેબલ પર તૈયાર છે. એક  હાથે પૈસા અને બીજા હાથે ઓર્ડર  આપીશ.  હું તમને લોકેશન મોકલું છું. તે સ્થળે આવીે રૃપિયા આપી જજો. તેણે જણાવેલા લોેકેશન  પર હું જ્યુપિટર ચોકડી જલારામ  એન્ટરપ્રાઇઝની દુકાન ગયો હતો. દુકાનમાં પ્રિતેશભાઇ હતા. ત્યારબાદ દુષ્યંત શિરવીએ મને બરોડા ડેરી તથા સુગમના સિમ્બોલ  અને મેનેજિંગ ડાયરેક્ટરની સહી સિક્કા વાળો લેટર આપ્યો હતો. મેં તેઓેને  પાંચ લાખ રોકડા આપ્યા હતા અને બાકીના ૯ લાખ બીજા દિવસે આપ્યા હતા. તેમછતાંય મને નોકરી અપાવી નહતી કે રૃપિયા પણ પરત આપ્યા નહતા.



આરોપીઓએ કહ્યું કે

મેડમ પાંચ દિવસ રજા પર હોવાથી પછી આવવું પડશે

આરોપીઓ તમામ યુવકોને બરોડા ડેરીની અંદર  પણ લઇ ગયા હતા

વડોદરા,

અર્પિતે પોલીસને જણાવ્યું હતું કે, તા. ૧૮ - ૦૯ - ૨૦૨૪ ના રોજ સવારે ૮ વાગ્યે હું બરોડા ડેરી ગયો હતો. ત્યાં અન્ય ૭ છોકરાઓ પણ  નોકરી માટે આવ્યા હતા.  પ્રિતેશ અને દુષ્યંતે અમને બરોડા ડેરીમાં પાર્લર પાસે ટેબલ પર બેસાડીને ડેરીમાં અંદર ગયા હતા. થોડીવાર પછી દુષ્યંતભાઇ અમને તેમની કારમાં બેસાડી  પંચીંગ મશીનના ગેટથી અંદર લઇ ગયા હતા. જોઇનિંગ લેટર ઓફિસમાં જમા કરવાનો હોવાનું જણાવી અમારી  પાસેથી લેટર લઇ લીધા હતા. ઓફિસમાં જઇને તેઓ પરત આવી કહેવા લાગ્યા હતા કે, મેડમ પાંચ દિવસ રજા  પર છે. તમે પાંચ દિવસ પછી આવજો. 



આરોપીઓના કહેવાથી વોટ્સએપનું ગુ્રપ પણ બનાવ્યું

વડોદરા,

અર્પિતે વધુમાં એવું  જણાવ્યું છે કે, તેમના કહેવાથી અમે બરોડા ડેરી જોઇન્સ નામનું ગુ્રપ પણ બનાવ્યું હતું.  જેમાં પ્રિતેશ તથા દુષ્યંતભાઇ મેસેજ મોકલી નોકરી અપાવવાનો પાકો ભરોસો અને વિશ્વાસ અપાવતા હતા.જાન્યુઆરી મહિનામાં અમને જાણ થઇ હતી કે, બરોડા ડેરીમાં નોકરીના બહાને ૨ કરોડની છેતરપિંડી થઇ છે. જેથી, અમે દુષ્યંતભાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે,  હું અને  પ્રિતેશ  ૧૫ દિવસમાં ૧૪ લાખ પરત આપી દઇશું.