વાડીના ઈલે. કરંટથી બે ભાઈના મોત મામલે શખ્સને 7 વર્ષની સખત કેદ

- ખેતરના શેઢે થાંભલા ઉભા કરી ગેરકાયદે ઈલેક્ટ્રીક શોક મુક્યો હતો
- બન્ને મૃતકના વારસદારને એક-એક લાખ રૂપિયાનું વળતર આપવા મહુવા કોર્ટનો હુકમ
મહુવાના મોટા ખુંટવડા ગામે વળિયા ભવન ચોક વિસ્તારમાં રહેતો રાજા દુલાભાઈ હડિયા (ઉ.વ.આ.૫૩)એ તેની વાડીમાં કેળના પાક ફરતેના શેઢે થાંભલા ઉભા કરી લોખંડના તાર બાંધી ગેરકાયદે ઈલેક્ટ્રીક શોક મુક્યો હતો. દરમિયાનમાં ગત તા.૧-૯-૨૦૨૦ના રોજ સાંજના સમયે વાડીના શેઢેથી પસાર થઈ રહેલા પરેશનભાઈ નાગજીભાઈ માલણકિયા (ઉ.વ.૩૭) અને નીતિનભાઈ નાગજીભાઈ માલણકિયા (ઉ.વ.૨૬)ને ઈલેક્ટ્રીક કરંટ લાગતા બન્ને ભાઈના મૃત્યુ થયા હતા. આ બનાવ અંગે મૃતકના કાકા વલ્લભભાઈ બાલુભાઈ માલણકિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે મોટા ખુંટવડા પોલીસે વાડીમાલિક રાજા હડિયા સામે આઈપીસી ૩૦૪ હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.
દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના બીજા એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એસ. પાટીલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ એચ. કેસરીની ધારદાર દલીલો, ૨૧ મૌખિક અને ૨૭ લેખિત પુરવા વગેરેને ધ્યાનમાં રાખી આરોપી રાજા હડિયાને કસૂરવાર ઠેરવી સાત વર્ષ સખત કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ બન્ને મૃતકના વારસદારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.









