જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી 7 મહિલાઓ ઝડપાઈ

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૭ પત્તાપ્રેમી મહિલાઓ અને એક પુરુષની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારની સામગ્રી કબજે કરી છે.
જામનગરમાં જડેશ્વર પાર્ક મેઇન ચોકમાં રામાપીરના મંદિર સામે જાહેરમાં કેટલીક મહિલાઓ એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મહિલા પોલીસને સાથે રાખીને દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન 7 જેટલી મહિલાઓ ગોળ કુંડાળું વળીને ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતાં મળી આવી હતી.
પોલીસે બનાવના સ્થળેથી નીતાબા ભરતસિંહ પિંગળ, સુનિતાબેન જીતેન્દ્રભાઈ નાગપાલ, આશાબેન યોગેશભાઈ મેવાડા, પુષ્પાબેન મનીષભાઈ ચાવડા, શાંતાબેન પરસોત્તમભાઈ જેઠીયા, મીનાબેન વલીદાસ ભાઈ સોલંકી, અંકિતાબેન વલીદાસભાઈ સોલંકી તેમજ બલવીરસિંહ દિલીપસિંહ ગોહિલની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,760ની રોકડ રકમ અને જુગારની સામગ્રી કબજે કરી છે.

