Get The App

થાનના ભડુલામાંથી ગેરકાયદે કાર્બોસેલના 7 અને મુળી પંથકમાંથી 14 કૂવામાંથી ખનન ઝડપાયું

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
થાનના ભડુલામાંથી ગેરકાયદે કાર્બોસેલના 7 અને મુળી પંથકમાંથી 14 કૂવામાંથી ખનન ઝડપાયું 1 - image


- ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે સપાટો બોલાવ્યો

- બંને સ્થળ પરથી 450 મેટ્રિક ટન કાર્બોસેલ, ચરખી, વિસ્ફોટક સહિત રૂ. 85 લાખનો મુદ્દામાલ જપ્ત : 4 ભૂમાફિયા સામે ગુનો : 15 મજૂરનું રેસ્ક્યૂ કરાયું

સુરેન્દ્રનગર : ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાણી, દુધઈ અને ધોળીયા ગામની સીમમાંથી ૧૪ કૂવા અને અને થાન તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના ૭ કૂવાઓમાંથી ખનન ઝડપી પાડયું હતું. પ્રાંત અધિકારીની ટીમે બંને સ્થળ પરથી ૪૫૦ મેટ્રિક ટન કાર્બોસેલ, ૧૦ ચરખી, ૫ જનરેટર, ૬૯ નંગ વિસ્ફોટક સહિત કુલ રૂ.૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર ભૂમાફિયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થળ પરથી ૧૫ પરપ્રાંતિય મજૂરોનું રેસ્ક્યૂ પણ કરાયું હતું.

ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા થાન તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાં દરોડો પાડયો હતો. જેમાં સરકારી સર્વે નંબરવાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ ૭ કૂવા ઝડપી પાડયા હતા જે પૈકી ૪ કૂવામાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન શરૂ હતું જ્યારે બે કૂવામાંથી પાણી કાઢવાનું શરૂ હતું. આ ઉપરાંત સ્થળ પરથી ૧૫૦ મેટ્રીક ટન કાર્બોસેલ, ૬-ચરખી, ૭-ટ્રેકટર, ૫-જનરેટર, ૩૯ નંગ સુપરપાવર ૯૦ વિસ્ફોટક, ૧૮૦ મીટર ડીટોનેટર વાયર સહિત કુલ રૂા.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સ્થળ પરથી ગેરકાયદેસર ખોદકામ કરનાર ૧૫ પરપ્રાંતિય મજૂરને રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે ગેરકાયદેસર કાર્બોસેલના કૂવામાંથી ખનન કરનાર ભૂમાફિયા વિરલ ઉર્ફે વિરમભાઈ જોધાભાઈ માલકીયા ભરવાડ અને રાજુભાઈ ભરવાડ (બંને રહે.થાન) સામે કાર્યવાહી હાથધરી હતી તેમજ ગેરકાયદે કાર્બોસેલના ખનનમાં અન્ય કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથધરી હતી.

જ્યારે બીજા બનાવમાં મુળી તાલુકાના અલગ-અલગ ત્રણ ગામો આસુન્દ્રાણી, દુધઈ અને ધોળીયા ગામની સીમમાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓમાંથી કાર્બોસેલનું ખનન થતું હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. જેમાં સરકારી સર્વે નંબરની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ૧૪ કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી ૩૦૦ મેટ્રીકટન કાર્બોસેલ, ૪-ચરખી, ૩૦ નંગ વિસ્ફોટક સહિત કુલ રૂા.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન કરનાર ભૂમાફિયા કમાભાઈ ચોથાભાઈ મીર (રહે.આસુન્દ્રાણી) અને દિનેશભાઈ ઠાકોર (રહે.વગડીયા) સામે કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા ૨૪ કલાકમાં અલગ-અલગ બે તાલુકાઓમાંથી અંદાજે રૂા.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Tags :