ચેકિંગ શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાંથી ૭ શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા
યોગ્ય પુરાવા રજૂ ના કરી શકતા રેલવે પોલીસ દ્વારા હાથ ધરાયેલી વધુ તપાસ
વડોદરા, તા.30 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાંથી સાત શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળતાં તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પરના પાર્સલો, પાર્સલ ઓફિસના પાર્સલો, પોસ્ટ ઓફિસના પાર્સલો, પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટિંગરૃમ, ક્લોકરૃમના લગેજ અને વાહન પાર્કિગ જેવી જગ્યાઓ પર રેલવે પોલીસ અધિક્ષકની હાજરીમાં એલસીબી, એસઓજી તેમજ રેલવે પોલીસના સ્ટાફના માણસો દ્વારા આજે સાંજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બોડીવોર્ન કેમેરા તેમજ ડોગ સ્ક્વોડ અન્ય સાધનો સાથે હાથ ધરાયેલી તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનોમાં ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાંથી સાત શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જણાતા તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તેઓની પૂછપરછ કરતાં તેઓ અંકલેશ્વરથી વડોદરા આવ્યા હતા અને અહીથી પશ્ચિમ બંગાળ જતા હોવાનું જણાવ્યું હતું. જો કે તેઓ ભારતના નાગરિકો હોવાના યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા જેના કારણે તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.