Get The App

ગડુમાં બે જાણભેદુ સહિત 7 શખ્સોએ નિવૃત્ત પ્યુનના 8 લાખના દાગીના લુંટયા

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ગડુમાં બે જાણભેદુ સહિત 7 શખ્સોએ નિવૃત્ત પ્યુનના 8 લાખના દાગીના લુંટયા 1 - image

રાત્રીના અઢી વાગ્યે તાળું તોડી ઘરમાં ઘૂસી ગયા હતા : એકલા રહેતા વૃધ્ધે રાતે અવાજ સાંભળી રૂમ ખોલતાં બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી નાસી ગયા હતા : સાતેય આરોપી પકડાયા

જૂનાગઢ, : ચોરવાડ તાબેના ગડુમાં એકલા રહેતા પાણી પુરવઠા વિભાગના નિવૃત પ્યુનને માર મારીને ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો કબાટમાંથી 8.06 લાખના દાગીના, પ્લોટના દસ્તાવેજ તેમજ બચત ખાતાના કાગળો લૂંટી નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે ટીમ બનાવી આ લૂંટ મામલે સાત શખ્સોને પકડી લઈ તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરવાડ તાબેના ગડુના શાંતિનગરમાં રહેતા પાણી પુરવઠા વિભાગમાં પટ્ટાવાળા તરીકે નિવૃત થયેલા સતિષગીરી સેવાગીરી ગોસ્વામી (ઉ.વ. 70)ના પત્નીનું કોરોનામાં અવસાન થયું હતું, તેમના ભાઈ-બહેન અલગ-અલગ જગ્યાએ રહે છે અને સતિષગીરી હાલ શાંતિનગરમાં એકલા રહે છે. તા. 15ના રાત્રે સતિષગીરી ઘરના મુખ્ય દરવાજાની ગ્રીલમાં તાળુ મારી ઉંઘી ગયા હતા. રાત્રીના અઢી વાગ્યા આસપાસ અન્ય રૂમમાં કોઈ અવાજ કરતું હોવાનું જણાતા સતિષગીરીએ તે રૂમનો દરવાજો ખોલતા જ બુકાની બાંધેલા ત્રણ શખ્સોએ તેને પકડી લીધા હતા તેમજ એક શખ્સે મોં પર મુંગો દઈ 'જે હોય તે આપી દે, ઘરમાં રૂપીયા અને સોનુ ક્યાં સંતાડયું છે તે બોલ નહીતર તને પતાવી દઈશું' તેમ કહી થપ્પડ મારી હતી. ડરી ગયેલા સતિષગીરીએ કબાટ તરફ ઈશારો કરતા એક શખ્સ તે રૂમમાં ગયો હતો અને કબાટમાં રાખેલા પ્લોટના દસ્તાવેજ, બેંકના બચતના કાગળો તેમજ સોનાના બે ચેઈન, રૂદ્રાક્ષની માળા, છ બંગડી, આઠ બુટી સહિત કુલ 8.06 લાખના દાગીના ભરેલી થેલી લૂંટી લીધી હતી. બાદમાં આ ચારેય શખ્સો સતિષગીરીને મુકી દોડીને નાસી ગયા હતા.

બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આ અંગે સતિષગીરીએ ફરિયાદ કરતા પોલીસે ચારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તેને પકડવા ટીમ બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે લૂંટ મામલે શાંતિનગરના મિલન વરજાંગ જોટવા (ઉ.વ. 23), પાતરાના વસીમ ઓસમાણ કરમતી (ઉ.વ.28), સોમનાથના રાજ મગન ચૌહાણ (ઉ.વ.22), વેરાવળના કાના લખમણ મેરોડા (ઉ.વ. 25), અનિલ ઉર્ફે રાણો દમજી સોલંકી (ઉ.વ. 31), કમલેશ ચંદુ પરમાર (ઉ.વ. 32) અને છગન બાબુ સોલંકી (ઉ.વ. 29)ને પકડી લઈ તેની પાસેથી દાગીના તથા દસ્તાવેજો કબ્જે કર્યા હતા. આ અંગે ચોરવાડના ઈન્ચાર્જ પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે. આજે પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.