તારાપુરના આદરૂજ ગામના પૂર્વ સરપંચના પુત્ર સહિત 7 નો હુમલો

- ચૂંટણીમાં તમે હરાવ્યા છે કહી લાકડીથી તૂટી પડયા
- બીજ ભરવા ચાલતા જતા માલપુર ગામના 7 લોકોને રસ્તામાં આંતરી માર મારી ધમકી
તારાપુર તાલુકાના માલપુર ગામે ભાથીજી ફળિયામાં રહેતા આશાભાઈ મોહનભાઈ ચૌહાણ ભત્રીજા કિરણ ઉર્ફે સુભાષ ચંદુભાઈ ચૌહાણ તથા કુટુંબી ભાઈ ચીમનભાઈ તથા ગામના કેતનભાઇ, રજનીકાંતભાઈ ડાભી, રમેશભાઈ વાળંદ તથા રાયસંગભાઈ ચૌહાણ સાથે આજે અષાઢી બીજ ભરવા માટે માલપુરથી ચાલતા તારાપુર મોરજ રોડ ઉપર રામદેવપીર મંદિર ખાતે જવા માટે સવારે નીકળ્યા હતા. ચાલતા મોરજ રોડ પર, તારાપુર સીમમાં મોટી કેનાલ વટાવી થોડે આગળ જતા હતા. ત્યારે ગાડી અને સ્કોર્પિયો કાર આગળ આવી ઉભી રહી હતી. ગાડીમાંથી આદરૂજ ગામના પૂર્વ સરપંચ ભનાભાઈ નગાભાઈ ભરવાડનો છોકરો ભરત તથા ભાણો અજય તથા વિશાલ રૂપાભાઈ ભરવાડ, ગોપાલ રણછોડભાઈ ભરવાડ, નીતિન કાનજીભાઈ ભરવાડ તથા બીજા બે ત્રણ માણસો હાથમાં લાકડીઓ લઈ આવી તમોએ અમોને ચૂંટણીમાં હરાવ્યા છે તેમ કહી ચાલતા જતા તમામ લોકોને લાકડીઓ વડે મારી ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા. આજે તો તમે બચી ગયા છો ફરી મળશો તો જીવતા નહીં મૂકીએ, તમે ચૂંટણીમાં હરાવ્યા છે તેમ કહી ગાડીમાં બેસી જતા રહ્યા હતા. આશાભાઈ મોહનભાઈ ચૌહાણ, ભત્રીજો કિરણ તથા રજનીકાંત ડાભીને ઈજા થતા તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પૂર્વ સરપંચ ભનાભાઈ નગાભાઈ ભરવાડના પુત્ર ભરતના માણસોએ એક સંપ થઈ ચૂંટણીની અદાવત રાખી આશાભાઈ મોહનભાઈ ચૌહાણ, તથા તેમના ભત્રીજા તથા કુટુંબી ભાઈ પર લાકડીઓથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા, તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તારાપુર પોલીસે ભરતભાઈ ભનાભાઇ ભરવાડ, ભાણો અજય, વિશાલ રૂપાભાઈ ભરવાડ, ગોપાલ રણછોડ ભરવાડ, નીતિન કાનજી ભરવાડ તથા બીજા બે કે ત્રણ તમામ રહે. આદરૂજ, તા. તારાપુર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાબાદ તારાપુર પોલીસ દ્વારા આદરૂજ ગામમાં તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.









