Gujarat

જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનારા 7 શખ્સોની ધરપકડ

By GS TEAM
19 Aug 20252 mins read
જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનારા 7 શખ્સોની ધરપકડ

- પેટલાદના મોરડ ગામની સીમમાં

- સિવિલ કોર્ટનો હુકમ છતાં જમીન ગીરો મૂકી કબજો નહીં આપતા ફરિયાદ બાદ કાર્યવાહી

આણંદ : પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનાર સાત વ્યક્તિઓને મહેળાવ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પેટલાદ તાલુકાના મોરડ ગામે રહેતા રાકેશ કુમાર ઉર્ફે રાજુભાઈ રતિલાલ પરમારની મોરડ ગામની સીમમાં કૌટુંબિક દાદાના સંયુક્ત વારસદારોની જમીન છે. વડીલો પાર્જીત જમીનમાં નાનીબેન ધુળાભાઈએ પોતાના પિતાના ભાગે આવતી મોરડ સીમની જમીન વણ વહેંચાયેલા હિસ્સાવાળી જમીન રાકેશકુમાર પરમારને વેચાણ આપી હતી. ત્યારબાદ રાકેશકુમાર તથા તેમને વેચાણ જમીન આપનાર તેમના ફોઈ ચંચળબેન ધુળાભાઈ પરમાર, જશોદાબેન ધુળાભાઈ પરમાર અને નાનીબેન ધુળાભાઈ પરમાર જમીન ઉપર ખેતી કરવા માટે જતા ત્યાં હાજર રહીજીભાઈ સનાભાઇ પરમાર અને ગોવિંદભાઈ નારણભાઈ પરમારે સહિયારી જમીન છે, અમે તમને જમીન ખેડવા નહીં દઈએ તેમ કહેતા ફોઈઓએ વકીલ મારફતે નોટિસ આપી હતી. 

પેટલાદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા કોર્ટે આ જમીનમાંથી પ્રતિવાદીઓએ કબજો ખાલી કરી વાદીને સોંપી દેવા હુકમ કર્યો હતો. બાદમાં રયજીભાઈ સનાભાઇ અને ગોવિંદભાઈ નારણભાઈએ જમીન મોરડ ગામના અશોકભાઈ ઉર્ફે સંકો સનાભાઇ પરમાર તથા પ્રહલાદભાઈ રાવજીભાઈ પરમારને ગીરો આપી દીધી હતી. 

જેથી તેમને કબજો આપવાની વાત કરતા રહીજીભાઈ તથા ગોવિંદભાઈએ કબજો આપ્યો ન હતો. આખરે રાકેશકુમાર રતિલાલ પરમારે આ અંગે મહેળાવ પોલીસ મથકમાં રઈજીભાઈ સનાભાઇ પરમાર, ગોવિંદભાઈ નારણભાઈ પરમાર, સંગીતાબેન રઇજીભાઈ પરમાર, મંજુલાબેન સનાભાઇ પરમાર, સુમિત્રાબેન નારણભાઈ પરમાર, અશોકભાઈ ઉર્ફે સંકો સનાભાઇ પરમાર, પ્રહલાદભાઈ ઉર્ફે પોલો રાવજીભાઈ પરમાર અને ગીતાબેન પ્રહલાદભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી સાત શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.