- 2022 માં ગાયત્રી કન્સ્ટ્રક્શન કંપની- મહેસાણાએ બનાવેલો
- રૂા. 5.25 કરોડમાં બનાવવા અને 5 વર્ષ સુધી રૂા. 40.52 ના ખર્ચે સમારકામનું ટેન્ડરથી કામ સોંપાયેલું
ગળતેશ્વર તાલુકાના વાડદથી નેતરિયા વાયા ચપટિયા, અંગાડી સુધીનો ડામર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એપ્રિલ-૨૦૨૨માં ગાયત્રી કન્સ્ટ્રક્શન કંપની- મહેસાણાને સોંપાયું હતું. લગભગ ૭ કિ.મી.ના રોડનું કામ ટેન્ડરથી રૂા. ૫.૨૫ કરોડના ખર્ચે સોંપાયું હતું. જ્યારે પાંચ વર્ષ માટે રૂા. ૪૦.૫૨ લાખના ખર્ચે રસ્તાનો નિભાવ ખર્ચ પણ નક્કી કરાયો હતો. જેનું અમલીકરણ કા.ઈ. માર્ગ અને મકાન (પં.) વિભાગ નડિયાદ દ્વારા કરવામાં આવ્યું છે. રોડને નિભાવવાનો સમયગાળો પાંચ વર્ષનો હોવા છતાં હાલ રસ્તો ખાડાંથી બિસ્માર બન્યો છે.
વાડદ ગામની ઈન્દિરાનગરીથી મહી કેનાલના પુલ સુધી રોડ પર મોટા ખાડાં પડી ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ જોવાની પણ તસ્દી લેવાઈ નથી.
આ રોડ સમારકામના બોર્ડ તો રસ્તા ઉપર લગાવાયા છે પરંતુ, હજુ સુધી સમારકામ નહીં કરાતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આ રસ્તા પરથી જારગાલ, સણાદરા, દેરોલિયા, પાલયા, ટીમબલી, રંગીનપુરા સુધી લોકો નોકરી કરવા અપ-ડાઉન કરે છે. ત્યારે અત્યંત બિસ્માર રસ્તાથી લોકો હાલ ત્રસ્ત બન્યા છે. સત્વરે રોડનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે.


