જૂનાગઢ સિવિલના ડીન તરીકે ઓળખ આપી માંગરોળના શખ્સનું છળ : ભોગ બનનાર સહિત સાત યુવાનોને સૌરાષ્ટ્રની જુદી-જુદી સિવિલમાં નોકરી અપાવવાના નામે શીશામાં ઉતારી દીધા
રાજકોટ, : સૌરાષ્ટ્રની જુદી-જુદી સિવિલ હોસ્પિટલોમાં નોકરી અપાવવાના બહાને સાતેક યુવાનો સાથે માંગરોળના આશિષ દાનાભાઈ રાઠોડે રૂ. 10.95 લાખની છેતરપિંડી કર્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
હાલ જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા સત્યદેવ ઘાવરીએ પોતાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડીન ગણાવતા આશિષ દાનાભાઈ રાઠોડનો સંપર્ક કર્યો હતો. જેણે તેને સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસે ડોક્યુમેન્ટ્સ માંગતા શરૂઆતમાં રૂ. 3250 આપ્યા હતાં. ગઇ તા. 16-10-2024 ના રોજ આશિષે કોલ કરી બીજા દિવસે ગાંધીનગર જવાની વાત કરતાં તે તૈયાર થઇ ગયો હતો. એક તબક્કે તેને કોલ કરતાં ગાંધીનગરમાં આરોગ્ય સચિવાલયની અંદર બોલાવીને તેની પાસેથી તેના ઓરિજનલ ડોક્યુમેન્ટસ લઇ પોતે સાહેબ પાસે જાય છે તેમ કહ્યું હતું. થોડીવાર બાદ પરત આવી કહ્યું કે તારી ક્લાર્ક તરીકે નોકરી નક્કી થઇ ગઇ છે, જો તારે રાજકોટમાં નોકરી કરવી હોય તો રૂ. બે લાખ જેવું થશે.
તેણે હા પાડી રૂ. 2 લાખ આપી દીધા હતાં. તે વખતે આશિષે તેના બીજા કોઇ સગાઓને સરકારી નોકરીની જરૂરિયાત હોય તો પોતાને કહેવા કહ્યું હતું. જેથી તેણે સગા સંબંધી એવા છ યુવાનોની નોકરી માટે પણ આશિષને રૂપિયા આપ્યા હતાં. પરંતુ આજ સુધી નોકરી નહીં મળતાં પરિસ્થિતિ પામી ગયા હતા અને આખરે ફરિયાદ નોંધાવી હતી.


