- નક્કર કાર્યવાહીના અભાવે ગેરકાયદે ખનન યથાવત્
- લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને પોલીસની ટીમે દરોડો પાડી 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : 8 મજૂરનું રેસ્ક્યૂ કરાયુ
સાયલા : સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી કાર્બોસેલની ગેરકાયદે પ્રવૃત્તિ પર લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને પોલીસની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે ૭ કૂવા ચરખીઓ અને ૫થી ૬ બાઈક સહિત અંદાજે રૂ.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
દરોડા દરમિયાન જોખમી રીતે કૂવામાં ઉતરી ખોદકામ કરતા ૮ પરપ્રાંતીય મજૂરોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વારંવારની કાર્યવાહી છતાં આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ફરીથી ખોદકામ શરૂ કરી દેતા હોવાથી તંત્રની કડક અમલવારી સામે સવાલો ઉભા થયા છે.
જ્યારે પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા અવારનવાર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે, ત્યારે જે વિભાગની મુખ્ય જવાબદારી છે તે ખાણ ખનીજ વિભાગ કેમ મૌન છે? મસમોટું ગેરકાયદે ખનન આ વિભાગની નજરે કેમ નથી આવતું તેવા વેધક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. તંત્રની આ રેડથી કામચલાઉ ધોરણે માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયમી ધોરણે પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.


