Get The App

મનપાએ 7 લાયક કર્મચારીને બઢતી ન આપી, છ જગ્યા પર નિવૃત્તને કરાર આધારિત રાખ્યા

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
મનપાએ 7 લાયક કર્મચારીને બઢતી ન આપી, છ જગ્યા પર નિવૃત્તને  કરાર આધારિત રાખ્યા 1 - image


- નિવૃત્તને પેન્શન ઉપરાંત નોકરી પણ બદલી-બઢતીના નિયમનું પાલન થતું નથીં 

- 3 વર્ષે બદલીનો નિયમ છતાં 165 થી વધુ કર્મચારી 5 વર્ષ કરતા વધુ સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવે છે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં કર્મચારીઓની ભરતીથી લઈ તેમની બઢતી સહિતના મામલે બેધારી નીતિ ચાલી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. એક તરફ મહાપાલિકામાંથી નિવૃત્ત થયેલાં કર્મચારી, અધિકારીને પેન્શન ઉપરાંત કરાર આધારિત નિમણૂક આપી પગારની લ્હાણી કરવાની સામે ૭ જગ્યાઓ પર લાયક કર્મચારીઓને બઢતી આપવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. 

રાજ્ય સરકારની મંજૂરની અપેક્ષાએ ભાવનગર મહાપાલિકામાં નિવૃત્ત થયા બાદ ચીફ ઓડીટર, કલાર્ક, ડ્રાઈવર, લીફટમેન સહિતની અલગ-અલગ છ જગ્યા પર કર્મચારીથી લઈ અધિકારીને કરાર પર નિમણૂક આપવામાં આવી છે. જેના કારણે મહેકમ અનુસાર ખાલી જગ્યા પર બઢતી લાભ મળવાપાત્ર કર્મચારી, અધિકારીને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. આ પણ અધુરૂં હોય તેમ  મહાપાલિકા દ્વારા અગમ્ય કારણોસર બદલી-બઢતીના નિયમનું પાલન પણ કરાતુ નથી. મહાપાલિકાના આશરે ૭ કર્મચારી લાયક છે છતાં તેઓને યેનકેન પ્રકારે બઢતી અપાતી નથી, જયારે દર ત્રણ વર્ષે બદલીનો નિયમ હોવા છતાં ૧૬પથી વધુ કર્મચારી પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવે છે છતાં તેમની આંતરિક બદલી કરવામાં તંત્ર આળસ કરી રહ્યું છે. આ તકે, મહાપાલિકામાં લાયક કર્મચારીઓને બઢતી આપવાની સાથોસાથ લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવી જોઈએ. બદલી-બઢતીનુ લીસ્ટ તૈયાર છે છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. આ બાબતે મહાપાલિકાના કમિશનર કયારે યોગ્ય પગલા લેેશે ? તેના પર સૌ કર્મચારીઓની મીટ મંડાઈ છે. 

1044 કર્મચારીની જગ્યા ખાલી 

ભાવનગર મહાપાલિકામાં ૧ થી ૪ વર્ગમાં ૩૦ર૪ કર્મચારીનું મહેકમ છે, જેમાં ૧૯૮૦ કર્મચારીની જગ્યા ભરાયેલી છે, જયારે ૧૦૪૪ કર્મચારીની જગ્યા ખાલી છે. સફાઈ કામદારની જગ્યા વધુ ખાલી હોવાનુ મહેકમ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આ જગ્યા ભરવા માટે મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા જરૂરી છે. 

અનુભવમાં છૂટ અપાય તો વધુ 18 ને બઢતી મળી શકે 

ભાવનગર મહાપાલિકામાં ૭ કર્મચારી બઢતી માટે હાલ લાયક છે, જયારે અનુભવમાં છૂટછાટ આપવામાં આવે તો વધુ ૧૮ કર્મચારીને બઢતી મળી શકે તેમ છે. આમ મહાપાલિકા આશરે રપ કર્મચારીને બઢતી આપી શકે તેમ છે છતાં યોગ્ય પગલા લેવામાં નહીં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  

Tags :