રાજકોટમાં 34 કેસ 7ના મોત, હવે વધારે લોકો હોમ ક્વોરન્ટાઈન કરવા નિર્ણય
રાજકોટ, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર
રાજકોટમાં મહામારી બેકાબૂ બની ગઈ છે અને અત્યંત ગંભીર સ્થિતિ તો એ સર્જાય છે કે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં જ શહેરમાં વધુ 34 કેસો પોઝિટિવ નોંધાયા છે તેમજ શહેરની હોસ્પિટલમાં દાખલ કોરોનાની સારવાર લેતા સાત દર્દીઓના મૃત્યુ નિપજયા છે.
આ સ્થિતિમાં અત્યાર સુધી મહાપાલિકાના આરોગ્ય તંત્ર સુસ્ત રહ્યું હતું ત્યારે હવે સ્થિતિ વધુ ગંભીર બનતાં શહેરમાં વધારે લોકોને તેમના ઘરમાં જ રહેવા ફરજ પાડવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે રાજકોટમાં અત્યાર સુધી જ્યાં પોઝિટિવ કેસ આવે તે ઘરમાં કોરેન્ટાઈન કરતા હતા તથા આજુબાજુના અમુક ઘર આવરી લેવાતા હતા પરંતુ હવે દર્દી કોના કોના સંપર્કમાં આવેલ છે તે વિગત મેળવી સંપર્કમાં આવનાર દરેકને ફરજિયાત પણે 14 દિવસ માટે ઘરમાં જ રહેવાનું રહેશે.
જોકે કેટલાક લોકો તેમના નોકરી-ધંધામાં મુશ્કેલી પડશે તેવી ફરિયાદ કરે છે પરંતુ મહામારીને રોકવા આ અનિવાર્ય છે. ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવશે અને તે શરૂ પણ કરી દેવાયા છે.