Gujarat

લાઠીદડ જળ દૂર્ઘટનામાં 7ના મોત, 5ના મૃતદેહ મળતા અંત્યેષ્ટિ કરાઈ

By GS TEAM
18 Jun 20252 mins read
લાઠીદડ જળ દૂર્ઘટનામાં 7ના મોત, 5ના મૃતદેહ મળતા અંત્યેષ્ટિ કરાઈ

પૂરમાં કાર તણાઈ જતા 9 પાણીમાં ફેંકાયા, 2 તરી જતાં બચ્યા : દૂર્ઘટનામાં 3  પરિવારનો માળો વિખાયો, સાસુ-વહુ, વૃધ્ધ દંપતી અને એકજ પરિવારના 3ના કરૂણ મૃત્યુ

જસદણ, : બોટાદ પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે બોટાદ જીલ્લાના લાઠીદડ ગામે ઇકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી. જેમાં સાત લોકો ગુમ થયા હતા જેમાંથી વિંછીયા ખાતે રહેતા  સાસુ-વહુના મૃતદેહ મળી આવતા આજે સવારે વિંછીયા ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જયારે બનાવના 50 કલાક બાદ પાંચ વ્યકિતના મૃતદેહ મળ્યા છે. આ હતભાગી બનાવમાં એક વયોવૃધ્ધ  દંપતી, સાસુ-વહુ અને એક જ પરિવારના ત્રણના મૃત્યુ થતા ભારે ગમગીની ફેલાઈ છે. 

બે દિવસ પહેલા શિવરાજગઢથી બાબુભાઈ તુલસીભાઈ મહાલીયા (ઉ.વ. 75), પત્નિ શારદાબેન અને લાઠીદડથી રોકાવા આવેલ દીકુબેન મહેશભાઈ મહાલીયા (ઉ.વ. 17) વિંછીયા આવેલા હતા.  વિંછીયાથી ઇકો  કાર લઇ વિંછીયા રહેતા યશવંતભાઇ કનુભાઈ વાવેતા, યશવંતભાઇના માતા મંજુબેન અને પત્નિ નયનાબેન સહિત 6 જણા લાઠીદડ ધાર્મિક કાર્ય માટે જવા નિકળ્યા હતા. લાઠીદડ પ્રથમ ઘરે જવાને બદલે  પ્રિયંકભાઈ મહેશભાઈ મહાલીયા તેમના માતા નીતાબેન અને બહેન રીનુબેનને લાઠીદડ બસ સ્ટેન્ડ ઉપર જ બોલાવી કુલ 9 જણા લાઠીદડથી  માત્ર 3 કિ.મી. દુર આવેલા મંદીરે માનતા પુરી કરવા ગયા  હતા.માનતા પુરી કરી પરત આવતા હતા એ દરમિયાન ભારે વરસાદને લીધે પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાવા લાગી હતી. 

આ દરમિયાન યશવંતભાઈ અને પ્રિયંકભાઈ મહામુસીબતે બહાર નિકળી શકયા જયારે બાબુભાઈ, તેમના પત્નિ શારદાબેન તેમજ મંજુબેન ઉંમર લાયક હોય બહાર નિકળી શકયા નહી તેમજ નયનાબેન,  નીતાબેન, રીનુબેન અને દીકુબેન પણ મહિલા હોય તરતા આવડતુ ન હોય તેઓ પણ ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર નહિ નિકળી શકતા જેમાંથી માત્ર બે લાશ મળી હતી. જયારે બાકીના 5ની 50  કલાકથી વધુ સમયથી એન.ડી.આર.એફ. સ્થાનીક ફાયર જવાનો, પોલીસ સહિતના શોધખોળ કર્યા બાદ પાંચ વ્યકિતના મૃતદેહ મળતા આ ઘટનામાં 7 વ્યકિતનો ભોગ લેવાયો હતો. આજે વિંછીયા ખાતે સાસુ-વહુની એક સાથે અંતિમ યાત્રા નિકળતા પરિવારજનોમાં કોણ કોને છાનુ રાખે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. જો કે જાણકારોના જણાવ્યા મુજબ પાણીનો પ્રવાહ ખુબ વધુ હોવાથી ઘટના  બની તેનાથી દૂર ગુમ થયેલા વ્યકિતઓ તણાઈને જતા રહ્યા હોય એ એશંકાએ સ્થાનીક તંત્ર દ્વારા નીચેના વિસ્તારના સ્થાનીક તંત્રને જાણ કરી પોતપોતાના વિસ્તારમા ગુમ થયેલા પાંચ શખ્સોની શોધખોળ  કરવા જણાવ્યું હતું.