Gujarat

૫૦૦ અને ૧,૦૦૦ ના દરની ૭૮ લાખની જૂની ચલણી નોટો સાથે ૭ પકડાયા

By GS TEAM
2 Aug 20252 mins read
૫૦૦ અને ૧,૦૦૦ ના દરની ૭૮ લાખની જૂની ચલણી નોટો સાથે ૭ પકડાયા

વડોદરા,નોટબંધી થયા પછી પણ હજી જૂની ચલણી નોટો બજારમાં ૧૦ થી ૧૫  ટકાના ભાવમાં વેચી રહેલા જમીન દલાલને એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે ઝડપી પાડયો છે. આ સાથે ચલણી નોટો લઇને ફરતા કુલ ૭ વ્યક્તિઓને ઝડપી પાડી ૭૮.૪૦ લાખની ૧૦,૫૪૦ નોટો કબજે કરી છે. જોકે, હાલમાં આ નોટોની કોઇ કિંમત નથી.

એલ.સી.બી.ની ટીમે મળેલી માહિતીના આધારે સરકાર દ્વારા ચલણમાંથી રદ્દ કરાયેલી ચલણી નોટો લઇને ફરતા (૧) સામંત જેસીંગભાઇ ભરવાડ (રહે. ભાલીયાપુરા ગામ, ચીખોદ્રા, વડોદરા, મૂળ રહે. નવા ગામ, વલભીપુર, ભાવનગર) (૨) નાથાભાઇ વેલાભાઇ ભરવાડ (રહે. રાજનગર માલોદર ભરવાડ વાસ, વાઘોડિયા) (૩) મુકેશ જહાભાઇ ભરવાડ (રહે. ભરવાડ વાસ, દંતેશ્વર) (૪) અહેમદ અયુબભાઇ મનસુરી (રહે. ધનાની પાર્ક, મેમણ કોલોની, પાણીગેટ) તથા (૫) વજેકણભાઇ કાવાભાઇ ભરવાડ (રહે. માણકી કોમ્પલેક્સ પાછળ, વાઘોડિયા રોડ) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી ૫૦૦ અને ૧,૦૦૦ ના દરની રદ્દ થયેલી જૂની ચલણી નોટો નંગ ૨,૭૯૮ કિંમત રૃપિયા ૨૪.૯૮ લાખની કબજે  કરી  હતી. પોલીસે હાથ ધરેેલી પ્રાથમિક  પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, આ ચલણી નોટો અશોક રામજીભાઇ કાટવાળા (રહે. વૈકુંઠ - ૦૧, વાઘોડિયા રોડ, મૂળ  રહે. લુણા ગામ,તા.પાદરા) પાસેથી લીધી  હતી. આ ચલણી નોટો ત્રણ લાખમાં લઇને પાંચ થી છ લાખમાં વેચી દેવાની મુકેશ ભરવાડની યોજના હતી. જેથી, તે અન્ય મિત્રો સાથે રિક્ષામાં નોટો લઇને નીકળ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઇ  ગયો હતો.  પોલીસે અશોક  કાટવાળા તથા શૈલેષ સુરેશભાઇ સોલંકી (રહે. તેજાબ મિલની ચાલી, ઝેનિથ સ્કૂલની પાછળ, ડભોઇ રોડ) ને ઝડપી પાડી ગુનો દાખલ કરી ૭,૭૪૨ ચલણી નોટો કિંમત રૃપિયા ૫૩.૪૨ લાખની કબજે  કરી છે.


કોર્ટની પરમિશન મેળવીને વધુ તપાસ કરવામાં આવશે

વડોદરા,

ડીસીપી ઝોન - ૩ એ જણાવ્યું હતું કે, મુકેશ ભરવાડે અજ્ઞાાનતામાં લાલચમાં આવીને નોટો લીધી હતી. આ અંગે એન.સી.ફરિયાદ દાખલ કરી છે. કોર્ટની પરમિશન બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુકેશ ભરવાડ પશુપાલનનો ધંધો કરે છે.અશોકે પોલીસને કહ્યું  હતું કે, નોટ બંધી વખતે તેની પાસે આ  રૃપિયા રહી  ગયા હતા.