Gujarat

તળાજા યાર્ડની ચૂંટણીમાં ભાજપના 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 ઉમેદવારની જીત

By GS TEAM
19 Oct 20251 min read
તળાજા યાર્ડની ચૂંટણીમાં ભાજપના 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 ઉમેદવારની જીત

- ખેડૂત પેનલની ચૂંટણી માટે 94.89 ટકા મતદાન થયું હતું

- 3 પૂર્વ પ્રમુખ વિજેતા બન્યા, કોંગ્રેસના 3 વિજેતાને વધુ મત મળ્યાં, સંખ્યાબળ ઘટયું

તળાજા : તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત પેનલની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના સાત અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ત્રણ ઉમેદવારોની જીત થઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષની ચૂંટણીનું પરિણામ ઉલ્ટું રહેતા કોંગ્રેસનું સંખ્યાબળ ઘટયું હતું.

ત્રિ-પાંખિયા જંગમાં ખેડૂત પેનલના ૧૦ ડિરેક્ટર ચૂંટવા માટે ૯૪.૮૯ ટકા મતદાન થયું હતું. આજે મતગણતરી થતાં ખેડૂત મતદારોએ ભાજપના ૭ અને કોંગ્રેસ પ્રેરિત ૩ ઉમેદારને ચૂંટી કાઢ્યા હતા. કોંગ્રેસના વિજેતા બનેલા ત્રણેય ઉમેદવારને સૌથી વધુ મત મળ્યાં હતા. આ ચૂંટણીમાં ભાજપના બે અને કોંગ્રેસના એક પૂર્વ પ્રમુખના શિરે પણ જીતનો કળશ ઢોળાયો હતો. ભાજપ ઉપર વેપારીઓ અને ખેડૂતોએ મુકેલા વિશ્વાસને લઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગુભા ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તાલુકા સંગઠન, કાર્યકરોની ચૂંટણીલક્ષી કોઠાસૂઝ અને મહેનતનું પરિણામ છે. દરેક સમાજમાંથી ઉમેદવાર જીત્યા તે બાબતને તેમણે ગુદસ્તા સમાન ગણાવી હતી.

ઉલ્લેખનિય છે કે, વેપારી પેનલમાં ભાજપ પ્રેરિત ચાર ડિરેક્ટરોને બિનહરીફ જાહેર કરવામાં હતા. ચૂંટણી પૂર્ણ થતાં ખેડૂત પેનલના પ્રમુખ માટે લોબિંગ શરૂ થશે. વિક્રમસિંહ ગોહિલને પ્રમુખનો તાજ સોંપાઈ તેવા પણ સમીકરણો સાથેની ચર્ચાઓ ચાલી રહી છે.