Gujarat

ઠગ પરિવારે પાડોશીને પણ છોડયા નહીં ટેન્ડરના નામે 7.62 કરોડની છેતરપિંડી

By GS TEAM
18 Dec 20252 mins read
ઠગ પરિવારે પાડોશીને પણ છોડયા નહીં  ટેન્ડરના નામે 7.62 કરોડની છેતરપિંડી

જેલમાં રહેલા નીરવ દવે અને પરિવાર સામે વધુ એક ગુનો દાખલ

મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ, ચૂંટણીમાં સીસીટીવી કેમેરા લગાવવાના નકલી વર્ક ઓર્ડર બતાવી છેતર્યા

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર ૨૩માં રહેતા ઠગ દંપતી દ્વારા ટેન્ડરના નામે વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે અને તેમના પરિવારે પાડોશીને પણ બાકાત રાખ્યા નથી અને પાડોશી બિલ્ડર તેમજ તેના મિત્રોને મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ સહિતના કામોના નકલી વર્ક ઓર્ડર બતાવીને ૭.૬૨ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો છે. જે સંદર્ભ વધુ એક ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે.

સેક્ટર ૨૩માં રહેતા ઠગ દંપતિ દ્વારા ઇન્ફોસિટી ખાતે ઓમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલીને વેપારીઓને અલગ અલગ સરકારી ટેન્ડરના વર્ક ઓર્ડર બતાવીને રોકાણ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આ દંપતી અને તેમના પરિવારે પાડોશીને પણ બાકાત રાખ્યા ન હતા. જે સંદર્ભે તેમની જ પાડોશમાં રહેતા પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા મોન્ટુભાઇ ઇન્દુભાઇ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પડોશમાં પ્લોટ નં. ૬૮૯/૨માં રહેતા નિરવ મહેન્દ્રભાઈ દવેએ પોતાની પેઢી ઓમ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ષ ૨૦૧૭માં સરકાર તરફથી ઇલેક્શનમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપવામાં આવી હતી. મોન્ટુભાઈએ પ્રથમ ૭ લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં જૂનાગઢ જિલ્લામાં પણ ઘરે ઘરે કચરા ટોપલી મૂકવાનું ટેન્ડર લાગ્યાનું કહી નિરવે રૂપિયા પડાવ્યા હતા. જેમાં આખો પરિવાર સામેલ હતો. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન દવે પરિવારે કરોડો રૂપિયા રોકાણના નામે મેળવ્યા હતા.આ કૌભાંડમાં નિરવ દવેનો પુત્ર યજત દવે અસલી સરકારી પત્રો મેળવી તેને લેપટોપમાં એડિટિંગ કરતો હતો. તે સરકારી દસ્તાવેજો પર પોતાની પેઢીનું નામ લખીને ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો અને રોકાણકારોને તે બતાવીને વિશ્વાસમાં લેતો હતો. મોરબી નગરપાલિકાના સ્માર્ટ સિટી વર્ક ઓર્ડરના આધારે જ મોન્ટુભાઈ પાસેથી એકસાથે ૫૦ લાખ પડાવવામાં આવ્યા હતા. 

નિરવ દવે સહિતના પરિવારે મોન્ટુભાઈ પાસેથી ૪.૩૬ કરોડ, તેમના મિત્રો પાસેથી ૨.૦૧ કરોડ અને અન્ય એક મિત્ર જીતેન્દ્રકુમાર પાસેથી ૧.૨૫ કરોડ મળીને ૭.૬૨ કરોડથી વધુની રકમ હડપ કરી લીધી હતી. જેના પગલે ઈન્ફોસિટી પોલીસે નિરવ દવે, તેના પત્ની મીરા, પિતા મહેન્દ્રભાઈ અને પુત્ર યજત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નીરવ દવે હાલ જેલમાં છે જ્યારે તેની પત્ની ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.