Get The App

ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ 1 - image

- મતદારયાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત બીએલઓ પર કામનું ભારણ 

- આણંદ જિલ્લામાં તા. 29 અને 30 માં વિશેષ કેમ્પ યોજાશે 

નડિયાદ, આણંદ : ચરોતરમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કા અંતર્ગત ૦૪ નવેમ્બર ૨૦૨૫થી ૦૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી બી.એલ.ઓ. દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ, ભરેલા ફોર્મ પરત મેળવવાની અને તેને ઓનલાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં એસઆઇઆરની ૬૭ ટકા અને આણંદ જિલ્લામાં ૬૨.૬૯ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જયારે શિક્ષણ કાર્યની સાથે મતદાર યાદીની કામગીરીથી બીએલઓ પર કામનું ભારણ વધ્યું છે. 

ખેડા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં ૧૬,૫૫,૦૬૨ મતદારોમાંથી, ૨૫ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ ૧૨,૫૦,૩૮૩ ગણતરી ફોર્મ પરત મેળવવામાં આવ્યા છે. આ ફોર્મ પૈકી ૧૧,૦૮,૮૫૨ ફોર્મને ઓનલાઈન પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જે કુલ મતદારોના ૬૭ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. હજી પણ ૧,૪૧,૫૩૧ ફોર્મ ઓનલાઈન પ્રક્રિયા માટે બાકી છે. જ્યારે કુલ ૪,૦૪,૬૭૯ ફોર્મ મતદારો પાસેથી પરત મેળવવાના બાકી છે. ગણતરી ફોર્મ પરત આપવાની અને ડિઝિટાઇઝ્ડ કરવાની છેલ્લી તારીખ ૦૪ ડિસેમ્બર ૨૦૨૫ છે. 

 આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ની ડ્રાફ્ટ મતદાર યાદીમાં રહેલા ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકી, ૧૧,૩૬,૧૪૮ જેટલા મતદારોના ઇન્યુમરેશન ફોર્મ એકત્રિત થઈને ડિજિટાઈઝ થઈ ગયા છે. એટલે કે લગભગ ૬૨.૬૯ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ ૬૨.૬૯ ટકા કામગીરીમાં પણ, ૫૧ ટકા મતદારો એવા છે જેમની ૨૦૦૨ની મતદાર યાદી સાથે લિંક પણ થઈ ગયેલું છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ૪ ડિસેમ્બરની સમયમર્યાદા ધ્યાનમાં રાખીને, આણંદ જિલ્લામાં ૨૯ અને ૩૦મી તારીખે (શનિવાર અને રવિવારે) વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન, બીએલઓ તમારા વિસ્તારમાં આવીને એન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી કરશે. વધુમાં, ૨૯મી અને ૩૦મી તારીખે દરેક વિધાનસભા માટે દરેક તાલુકા સ્તર પર અલગ અલગ નિયત કરેલા સ્થળો ઉપર ટીમો ગોઠવવામાં આવશે. દરેક વિધાનસભામાં ઓછામાં ઓછી ૧૦થી ૧૨ ટીમો રહેશે, જેમાં મહેસૂલ અને પંચાયતની ટીમોનો સમાવેશ થાય છે. આ ટીમો શનિવાર (૨૯મી)ના રોજ બપોરે ૧૨થી સાંજે ૫ વાગ્યા સુધી અને રવિવાર (૩૦મી) ના રોજ સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી હાજર રહેશે.