- સ્કૂલોમાં જઇને વેકિસન મુકવા માટે 150 ટીમ બનાવાઇ દરેક આરોગ્ય કેન્દ્ર પર તો રસી મુકવાની વ્યવસ્થા છે જ
સુરત
સુરત જિલ્લાના નવ તાલુકાની સ્કુલોમાં આવતીકાલ સોમવારથી 150 ટીમ બનાવી 15 થી 18 વર્ષની વયના 67,750 વિદ્યાર્થીઓને કોરોનાની વેકિસન મુકવાનું અભિયાન શરૃ કરાશે. આ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ વેકિસન મુકાવી શકાશે.
આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ શરૃ થનાર છે. સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સ્કુલો પણ ચાલુ હોવાથી બાળકોને વેકિસન મુકી શકાય તો કોરોના સામે લડત આપી શકાય તેમ હોવાથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની વેકિસન મુકવાની નક્કી કરાયુ હતુ.
સુરત જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના 67,750 બાળકોને આવતીકાલ સોમવારથી વેકિસન મુકવાની શરૃઆત કરાશે. આ માટે તમામ આરોગ્ય કેન્દ્રો પર રસી મુકવાની વ્યવસ્થા તો કરાઇ જ છે. સાથે જ દરેક સ્કુલોમાં પણ વેકિસન મુકી શકાય તે માટે 150 ટીમો બનાવાઇ છે. આ ટીમો દરેક સ્કુલોમાં જઇને બાળકોને વેકિસન મુકશે.


