વડોદરામાં મીની લોકડાઉનના કારણે 65 સીટી બસ બંધ કરાઈ
- 85 બસો ચાલુ, તેમાં પણ મુસાફરો મળતા નથી, સેન્ટ્રલ એસ.ટી ડેપોની 60% બસો ચાલુ
વડોદરા, તા. 30 પ્રિલ 2021, શુક્રવાર
વડોદરામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શહેરના વેપાર-ધંધા બંધ થયા છે અને તેની સાથે સાથે બહારગામ આવવા જવાનું પણ લોકોએ ઓછું કર્યું છે. જેથી વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પરથી ઘણી બસો બંધ કરી દેવામાં આવી છે. તો સિટી બસોના વ્યવહારને પણ અસર થઈ છે. હાલ ૬૫ સીટી બસ બંધ કરવામાં આવી છે.
એસટી અને સિટી બસોમાં મુસાફરોનું પ્રમાણ ઘટી ગયું છે. વડોદરા સીટી બસનું સંચાલન ખાનગી ઇજારદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સામાન્ય દિવસોમાં શહેરમાં ૬૦ રૂટ ઉપર આશરે ૧૫૦ જેટલી બસો દોડે છે, પણ હાલ બંધ જેવી સ્થિતિમાં 85 બસ રોડ પર છે. તેમાં પણ મુસાફરો મળતા નથી, જોકે રૂટ ઘટાડયા નથી. માત્ર બસની ફ્રીકવન્સી ઓછી કરી છે.
એક બસમાં ગાઇડલાઇન મુજબ ૧૭ મુસાફરોને બેસાડવાના રહે છે, પરંતુ ઘણી બસોમા તો માંડ પાંચ-સાત મુસાફર જ હોય છે. સવારે ૮થી ૧૦ અને સાંજે 5 થી 6 દરમિયાન મુસાફરો જોવા મળે છે. સામાન્ય દિવસોમાં વડોદરામાં રોજના સવા લાખ લોકો સીટી બસોમાં આવ-જા કરે છે, તેની સામે હાલમાં દસ હજાર મુસાફરો જ આવે છે. રાત્રે આઠ વાગ્યે નાઈટ કર્ફ્યુ શરૂ થતો હોવાથી છેલ્લો ફેરો ૬:૫૦ વાગ્યાનો હોય છે. વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પર પણ હાલ ૬૦ ટકા બસો ચાલુ છે.
બંધ જેવી સ્થિતિને લીધે લોકો આવતા નથી કે બહાર જતા નથી. બસમાં ૫૦ ટકાથી વધુ મુસાફરો બેસાડવામાં આવતા નથી. જે રૂટ ઉપર વધુ મુસાફરો હોય તે ચાલુ રખાય છે અને જે રૂટ પર મુસાફરો હોતા નથી ત્યાં બસ દોડાવતી નથી. મુસાફરોને પણ જે બસ મળે તેમાં બેસવાની સૂચના અપાઇ છે.