કોમર્સ ફેકલ્ટીના પહેલા વર્ષમાં 6400 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
વડોદરાઃ એેમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આ વર્ષે પણ એફવાયબીકોમમાં ગત વર્ષની જેમ ૬૪૦૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપશે.તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હાલ તો કોઈ નિર્ણય યુનિવર્સિટી સ્તરે લેવાયો નથી.
મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે એફવાયબીકોમમાં પ્રવેશને લઈને વિવાદ સર્જાયો હતો.યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલા ૫૭૦૦ અને બાદમાં ૬૪૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી.જેમાં બહારગામના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.તત્કાલીન વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવના જક્કી વલણના કારણે વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા.
આગામી દિવસોમાં ધો.૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ કોમર્સ ફેકલ્ટીમાં પણ પ્રવેશની કાર્યવાહી શરુ થશે ત્યારે કોમર્સ ફેકલ્ડીના ડીન પ્રો.જે કે પંડયાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, આ વર્ષે પમ ૬૪૦૦ બેઠકો પર પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે.જેમાં પાદરા કોલેજનો પણ સમાવેશ થાય છે.પ્રો.પંડયાના કહેવા પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં માળખાકીય સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેના કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો શક્ય નથી.જો ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવે તો બની શકે છે કે, વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ ના મળી શકે.આ સંજોગોમાં યુનિવર્સિટી સત્તાધીશો સાથે મળીને બેઠકો વધારવી કે નહીં તે અંગે નિર્ણય લેવો પડે.