વડોદરા, તા.31 મુંબઇની કંપનીએ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝનો ઓર્ડર આપી રૃા.૬૩.૨૨ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા બાદ પણ વડોદરાની કંપનીએ ગ્લોવ્ઝ નહી મોકલી તેમજ પૈસા પણ પરત નહી કરી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
વેસ્ટ મુંબઇમાં ભાંડુ ખાતે જેએમરોડ પર ગગનગ્રી એપોર્ટમેન્ટમાં રહેતા કમલાકર દુર્ગાપ્રસાદ શુકલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં જય અનિરુધ્ધભાઇ રાજાણી (રહે.આદિત્ય એલાન્ઝા, જૈન મંદિર પાછળ, અટલાદરા, મૂળ દ્વારકા) અને પાર્થ સુનિલ મહેતા (રહે.અમદાવાદ યશસ્વી પોલીમર્સ ઓપીસી પ્રા.લી. કંપની, શિવમ ઇન્ડસ્ટ્રિયલપાર્ક, ચાંગોદર) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું આઇવીવાય હેલ્થકેર સોલ્યૂશન પ્રા.લી.માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું.
અમને હાથના ગ્લોવ્ઝની જરૃર હોવાથી અમદાવાદમાં રહેતા મારા મિત્ર હિતેશ ગુપ્તાને વાત કરતાં તેમણે મને જય રાજાણીનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ ભરોસાપાત્ર છે, તેઓ સપ્લાય કરે છે તમારે જરૃર હોય તો હું મંગાવી આપીશ તેમ કહેતા મેં હા પાડી હતી. બાદમાં મારા મિત્રના કહેવા મુજબ મેં જય રાજાણીના વલ્લભી હર્બલ્સ ઓપીસી પ્રા.લી.ના એકાઉન્ટમાં ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ માટે રૃા.૬૩.૨૨ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં ૧૫ દિવસમાં ઓર્ડર મુજબના ગ્લોવ્ઝ મને મળવાના હતાં પરંતુ માલ મળ્યો ન હતો.
આ અંગે મેં મારા મિત્ર હિતેશ ગુપ્તાને વાત કરતા તેમણે જણાવેલ કે જય રાજાણી મારો પણ ફોન ઉપાડતો નથી. બાદમાં હું અને મારો મિત્ર બંને જય રાજાણીની વડોદરાના અટલાદરા-પાદરા મેઇનરોડ પર સમન્વય સ્ટેટસ ખાતે આવેલી વલ્લભી હર્બલ્સ ઓપીસી પ્રા.લી.ની ઓફિસે ગયા ત્યારે જય રાજાણી મળ્યો હતો. તેણે જણાવેલ કે મેં અમદાવાદના પાર્થ મહેતાને ઓર્ડર આપી પૈસા પણ મોકલ્યા છે, માલ આવશે એટલે પહોંચાડી દઇશ.
મે ઓર્ડર મુજબ કામ ના થાય તો પૈસા પરત મોકલો તેમ કહેતા જય ઉશ્કેરાઇ ગયો હતો અને તમારાથી જે થાય તે કરી લો, કેસ કરવો હોય તો કેસ કરી દો, મારુ કોઇ ઉખાડી નહી શકે તેવી ધમકી આપી હતી. બાદમાં અમે તેની ઓફિસમાંથી નીકળી ગયા હતાં. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


