વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા
Vadodara Ajwa Lake : વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામેલો છે, અને સતત વરસાદ પડી રહ્યો છે. વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આજ સવારથી આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં આજવા સરોવરનું રૂલ લેવલ મેન્ટેન કરી રાખવા અને યોગ્ય સંચાલન તેમજ સાવચેતીના પગલા તરીકે આ ગેટ ખોલવામાં આવ્યા છે. સવારે 9 થી બપોરે 1વાગ્યા સુધી આ ગેટ ખુલ્લા રાખવામાં આવશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે પાણી પુરવઠો મેન્ટેન બરાબર થઈ રહ્યો છે. પ્રતાપપુરામાંથી અગાઉ પાણી છોડેલું હતું અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે. જોકે એ પછી વરસાદ કેવો છે અને ઉપરથી પાણીની કેવી આવક છે તેને ધ્યાનમાં રાખીને પણ ગેટ ખુલ્લા રાખવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. આજવા સરોવરમાં આજે સવારે પાણીનું લેવલ 213.46 ફુટ હતું. સપ્ટેમ્બરમાં રૂલ લેવલ 212.50 ફૂટ રાખવાનું હોય છે, જેને ધ્યાનમાં રાખીને આશરે એક ફૂટ જેટલું પાણી ખાલી કરવામાં આવશે. આજવા સરોવરમાં આશરે પાંચ ઇંચ વરસાદ થયો છે. પ્રતાપપુરામાં બે ઇંચ, ગોપીપુરામાં ત્રણ ઇંચ, મદારમાં ચાર ઇંચ, ગુતાલમાં છ ઇંચ, ધનસર વાવમાં ત્રણ ઇંચ અને હાલોલમાં પોણા ત્રણ ઇંચ પાણી પડ્યું છે. જેની આવક આજવા સરોવરમાં અને પ્રતાપપુરા સરોવરમાં થઈ રહી છે. પ્રતાપપુરા સરોવરનું લેવલ પણ વધીને 224.85 ફૂટ થયું હતું. જ્યારે આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડરનું લેવલ 0.49 મીટર હતું, એટલે આજવાનું લેવલ હજી વધશે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે પણ વિશ્વામિત્રીનું લેવલ વધી રહ્યું છે. આજે સવારે વિશ્વામિત્રીનું લેવલ 11.51 ફૂટ હતું. દરમિયાન કોર્પોરેશનના સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચેલા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે આજવામાંથી સૂર્યા અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. અંદાજે ચાર એમસીએમ પાણી ખાલી કરવામાં આવશે. જેના કારણે નદીની સપાટી 15 થી 16 ફૂટ થઈ શકે તેવી શક્યતા છે. આ પાણી છોડતા આજવાનું લેવલ 212.50 આસપાસ આવી જશે. ગેટ ખુલ્લા અને બંધ રાખવા અંગેનો નિર્ણય ફ્લેક્સિબલ છે, પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, સ્થિતિ હાલ કાબુમાં છે.