Gujarat

જામનગરમાં શેર બજારમાં રોકાણનાં બહાને 62.94 લાખની છેતરપિંડી

By GS TEAM
3 Mar 20262 mins read
જામનગરમાં શેર બજારમાં રોકાણનાં બહાને 62.94 લાખની છેતરપિંડી

વેપારી પરિવાર સહિતના લોકો સાથે છળ

ખાનગી બેંકના કર્મચારી તરીકે ઓળખ આપનાર શખ્સ ઊંચાં વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ નાણા લઇ રફૂચક્કર

જામનગર: જામનગરમાં ગુરુદ્રારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજારનો વ્યવસાય કરતા દેવેનભાઇ મોહનભાઇ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય સાથે રોકાણના બહાને છેતરપિંડી કરવા અંગે તેમજ અન્ય એક વ્યક્તિ સહિત તમામની કુલ ૬૨,૯૪,૮૧૩ની રકમ મેળવી લીધા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરના ગાંધીનગર નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હિરેન ભરતભાઇ લાખાણી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલા આરોપી હિરેનભાઇ લાખાણી દેવેનભાઇ પટેલના બિઝનેસના પાર્ટનર પારૂલબેન સાથે સંપર્કમાં આવ્યો હતો અને પારૂલબેનનો સંબંધી હોવાથી અને પોતે જામનગરની આઇ.સી.આઇ.સી.આઇ.ની સિક્યુરિટી બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાથી શેરબજારના ડિમેટ એકાઉન્ટ ખોલાવવાના બહાને રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું અને કટકે કટકે નાણાં જમા કરાવ્યા હતા. શરૂઆતમાં સારો નફો બતાવ્યો હતો અને વળતર આપવાની લાલચ આપી હતી.

ત્યારબાદ વધુ રોકાણ કરાવી દેવેનભાઇ તથા તેના પરિવાર તેમજ જામનગરના ઘનશ્યામસિંહ જાડેજા નામના અન્ય એક વ્યક્તિના પણ પૈસા મેળવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને નાણાંની ઉપાચત કરીને ભાગી છુટયો હોવાથી આખરે દેવેનભાઇ પટેલ, પારૂલબેન તેમજ ઘનશ્યામસિંહ વેગેરેએ હિરેન લાખાણી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં સિટી બી.ડીવીઝનના મહિલા પી.એસ.આઇ. એમ.એમ.મહેતાએ તપાસ હાથ ધરી છે. 

- પહેલાં કહ્યામાં ન હોવાની, બાદમાં ગુમ થયાની આરોપીના પિતા દ્વારા ફરિયાદ

પૈસાની છેતરપિંડી કરીને ભાગી છૂટનાર હિરેન લાખાણી ૧૧મા મહિનાથી એકાએક લાપત્તા બન્યો છે અને તેના પિતા દ્વારા સૌ પ્રથમ પોતાનો પુત્ર કહ્યામાં નથી તેવી જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી. જ્યારે જામનગરના સિટી બી.ડીવીઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ગુમ થઇ ગયો હોવાની પણ ગુમ નોંધ કરાવી હતી. સાથોસાથ દેવેનભાઇ પટેલ અને ઘનશ્યામસિંહ વગેરે સામે આરોપીના પિતા ભરતભાઇ લાખાણીએ અરજી કરી પૈસાની ઉઘરાણી અને ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું.