Get The App

જામનગર અને પડાણામાં નશાયુક્ત 6120 ચોકલેટનો જથ્થો ઝડપાયો

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર અને પડાણામાં નશાયુક્ત  6120 ચોકલેટનો જથ્થો ઝડપાયો 1 - image


વધુ 2 વેપારીને ત્યાં SOG ટીમનો દરોડો 2 દિવસમાં 7965 કેફી ચોકલેટ પકડીને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાઇ : હવે સપ્લાયર  સુધી પહોંચવા પોલીસની તપાસનો ધમધમાટ

જામનગર, : જામનગરની SOGની ટીમે જામનગર શહેર અને લાલપુરના પડાણામાં ત્રણ દુકાનોમાંથી નશાકારક ચોકલેટનાં વેચાણ અંગેનું કારસ્તાન પકડી પાડયું છે, ચોકલેટનો જથ્થો ત્રણેય દુકાનોમાંથી કબજે કરી લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે. આ નશાકારક ચોકલેટના વેચાણ સંદર્ભમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરની એસઓજીની ટીમે ચોક્કસ બાતમી આધારે ગઈકાલથી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, અને સૌ પ્રથમ ગઈકાલે પડાણા પંથકમાં દરોડો પાડયો હતો. પડાણામાં આવેલી મહાવીર હોટલ કે જેના સંચાલક સુરેશ જીવરાજભાઈ હરિયાની દુકાનમાં દરોડો પાડયો હતો. તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલી 1510 નંગ અને તરંગ મદન મોદકવટી આયુર્વેદિક ઔષધી લખેલી નશાકારક 335  નંગ મળી કુલ 1845 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. તમામ ચોકલેટ કબજે કરી  તેના સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. વેપારીની પૂછપરછ દરમિયાન આ ચોકલેટ તેને જામનગરનો કોઈ સેલ્સમેન વેચાણ કરવા માટે આપી ગયો હોવાનું અને પોતે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પડાણા ગામની મીડલાઈન બજારમાં આવેલી સરોજસિંગ જનરલ સ્ટોર નામની દુકાનમાં  ચેકિંગ કરતાં દુકાનનો માલિક સરોજસિંગ અવધબિહારીસિંઘ હાજર હતો. દુકાનની તલાસી લેતા ત્યાંથી તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલી ૨૮૦ નંગ નશાકારક ચોકલેટ મળી આવી હતી, જે કબજે કરી લઈ મેઘપર પોલીસ મથકમાં જાણવા જોગ એન્ટ્રી કરાવી છે, અને તેના નમુના પણ પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ત્રીજો દરોડો જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં શિવ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં પાડયો હતો, અને તેના માલિક કેતન નવીનભાઈ નંદાની પૂછપરછ હાથ ધરી હતી. તેની દુકાનમાંથી ચાર મિનાર ગોલ્ડ મુનક્કા આયુર્વેદિક ઔષધી, તથા તરંગ મદન મોહકવટી તથા વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલી કુલ 5,840 નંગ ચોકલેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તમામ જથ્થો કબજે લઇ પૃથકરણ કરવા માટે લેબોરેટરીમાં મોકલ્યો છે, જ્યારે વેપારી કેતન નંદા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ એન્ટ્રી કરાવી છે. ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો છે, અને કોના દ્વારા સપ્લાય થઈ રહ્યો છે, ઉપરાંત હજુ અન્ય કઈ દુકાનોમાં આ પ્રકારની ચોકલેટનું વેચાણ થઈ રહ્યું છે, તે સમગ્ર મામલામાં એસઓજીની ટુકડી તપાસ કરી રહી છે.

Tags :