ગુજરાતમાં 4 મહિનામાં IELTSના 600 કોચિંગ સેન્ટર્સને તાળા વાગ્યા, જાણો શું છે કારણ?

IELTS Coaching Centers Gujarat: 2025ના પ્રથમ ત્રણ-ચાર મહિનામાં જ ગુજરાતમાં આશરે 600 IELTS કોચિંગ સેન્ટર્સ બંધ થઈ ગયા છે. ગુજરાતમાં આઈઈએલટીએસની સૌથી મોટી અસર કોચિંગ હબ અમદાવાદ પર પડી છે. કેનેડાના વિઝાના નિયમો કડક થતાં 41 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે.
ગુજરાતથી વિદેશ જતાં વિદ્યાર્થીઓમાં પણ 40 ટકા અરજીઓનો ઘટાડો થતાં આઈઈએલટીએસ પર માઠી અસર પડી છે. બંધ થવાના મુખ્ય કારણોમાં કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના સખત વિઝા નિયમો ખાસ કરીને કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કેપ લગાવી દીધી છે. બીજું હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ સેલ્ફ-સ્ટડી પસંદ કરે છે.
જેમાં તે YouTube, ઓનલાઈન કોર્સ, ફ્રી મટિરિયલ્સનો ઉપયોગ વધુ કરતાં હોવાથી સંખ્યાબંધ આઈઈએલટીએસ કોચિંગ પર અસર થઈ છે. ઘણા કોચિંગ સેન્ટર્સ ઓનલાઈન મોડલ પર શિફ્ટ થયા, હોવાથી પણ ફિઝિકલ મોડેલને અસર થવા પામી છે. અમદાવાદમાં પહેલાં 100થી વધુ મોટા-નાના IELTS કોચિંગ સેન્ટર્સ હતા જેમાંના હવે ઘણા સેન્ટર્સના બોર્ડ ઉતારવામાં આવ્યા છે અથવા તો તેઓ માત્ર ઓનલાઈન ક્લાસ ચલાવી રહ્યા છે.
હાલમાં ભાષાઓ શીખવા માટે લોકો ઓનલાઈન એપ્લિકેશનોનો ઉપયોગ કરતાં હોવાથી સીધી અસર આઈઈએલટીએસ પર પડી છે. સેલ્ફ સ્ટડી કરતાં એક ગૃપ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આઈઈએલટીએસનો બિઝનેસ સીધો એજન્ટો સાથે સંકળાયેલો હતો. એક એજન્ટ નબળા વિદ્યાર્થીઓ પાસે આઈઈએલટીએસની ફી અને વિદેશની કોલેજની ફીમાંથી કમિશનો મેળવતા હતા. હાલમાં ડુપ્લિકેટ કોલેજો પર તવાઈ આવવાથી તેની સીધી અસર એજન્ટો અને આઈઈએલટીએસ પર થવા પામી છે.
એક દશક પહેલાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પાંચ હજારથી પણ વધુ IELTSના કોચિંગ ક્લાસિસ હતાં. જેમાંથી હવે માંડ દસ ટકા ક્લાસીસ સક્રિય રહ્યા છે. જો કે ગુજરાતના નાના શહેરોમાં હજુ પણ કેટલીક જગ્યાએ વિદેશ વાંછુઓ સેલ્ફ સ્ટડી ના કરી શકતા હોવાથી IELTS ક્લાસીસની મદદ લઈ રહ્યા છે. IELTSના કારણે એજન્ટોનો ધંધો વધુ ધીકતો હતો જેને સીધી અસર પડી છે.

