સુરત પાલિકાની ઉર્દુ માધ્યમની શાળાના 600 બાળકોને શિક્ષણ મેળવવા ટ્રાફિકથી ધમધમતા સુરત-નવસારી રોડ ક્રોસ કરવા મજબૂર
Surat : સુરત શહેરના ઉન વિસ્તારમાં ઉર્દૂ માધ્યમની પાલિકાની શાળામાં શિક્ષણ મેળવવા માટે 600થી વધુ વિદ્યાર્થીઓએ સતત ટ્રાફિકથી ધમધમતા સુરત નવસારી રોડ ક્રોસ કરીને જવું પડી રહ્યું છે. શિક્ષણ મેળવવા માટે તેઓને સતત અકસ્માતનું જોખમ રહેલું હોય ઉન ગામતળ વિસ્તારમાં નવી ઉર્દુ શાળા શરૂ કરવા માટે માંગણી થઈ છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.
સુરત પાલિકાના ઉધના ઝોનના લઘુમતી વિદ્યાર્થી વધુ છે તેવા ઉન વિસ્તારમાં ઉર્દૂ માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવા માટેની માંગણી થઈ છે. ઉનની શાળામાં વાલીઓ અને સમાજના અગ્રણીઓ વચ્ચે એક બેઠક થઈ હતી. આ બેઠકમાં ગરીબ વિદ્યાર્થીઓને તેમની ભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે મુશ્કેલી પડે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન વાલીઓએ એવી વાત કરી હતી કે, ઉન વિસ્તાર શ્રમજીવી વિસ્તાર છે અને લઘુમતિ સમાજના અનેક લોકો વસવાટ કરે છે. આ સમાજના વિદ્યાર્થીઓને ઉર્દુ ભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમને શિક્ષણ માટે જીવનું પણ જોખમ રહેલું છે.
ઉન વિસ્તારમાં ઉર્દૂ માધ્યમમાં અભ્યાસ કરતા 600 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા માટે ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક નં. 37માં જવું પડે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 1700 જેટલી છે. ઉન ગામતળ વિસ્તારમાંથી 600 વિદ્યાર્થીઓ આ શાળામાં શિક્ષણ માટે જાય છે ત્યારે આવવા અને જવા માટે તેઓએ સતત ટ્રાફિકથી ધમધમતા સુરત નવસારી રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે. જેના કારણે ભુતકાળમાં અકસ્માતની ઘટના પણ બની છે અને બાળકોનો જીવ જોખમમાં મુકાઈ છે.
આવી સ્થિતિ બાદ વાલીઓ અને સમાજના અગ્રણીઓ સાથે પુર્વ કોર્પોરેટર ભદ્રેશ પરમાર અને અસલમ સાયકલવાલાએ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓના રહેઠાણ નજીક એટલે કે ઉન ગામ તળમાં નવી ઉર્દુ શાળા શરૂ કરવા માટેની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું છે કે હાલ ઉન વિસ્તારમાં શાળા ક્રમાંક 294-295 નું ભવન છે અને તેમાં બપોર પાળીની શાળાનું સ્થળાંતર થયું છે તેથી બપોરની પાળી માટે મકાન ખાલી છે. આવી સ્થિતિમાં 600 બાળકોની સલામતી અને તેમના ઘર નજીક શિક્ષણ મળે તે માટે બપોર પાળીમાં ઉર્દૂ માધ્યમની શાળા શરૂ કરવા માંગણી કરી છે. જો પાલિકા-સમિતિ આ માંગણી ન સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.