નવા કાયદાને પગલે ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ માટે રોજ 600 અરજી
અગાઉ દૈનિક 200-250 અરજી આવતી હતીઃ પીયુસી, એસએસઆરપીની મુદત વધારાઇ છતાં સમય અપુરતો
સુરત,તા.13 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
મોટર વ્હીકલ એક્ટમાં નવા સુધારાઓ, ખાસ કરીને ભારે દંડની જોગવાઈઓને વાહન માલિકોમાં ગભરાટ વ્યાપ્યો હોઇ, જરૃરી દસ્તાવેજો સાથે રાખવાની ફરજ સૌને પડી રહી છે. આરટીઓ કચેરીમાં અત્યારે લાયસન્સ રિન્યુઅલ માટેની અરજીઓ સૌથી વધુ આવી રહી છે.લાઇસન્સ રિન્યુઅલ માટે રોજની 200-250 અરજીઓ આવતી હતી, તે અત્યારે વધીને 500-600 ઉપર પહોંચી ગઇ છે !
ઇન્ચાર્જ આરટીઓ ડી.કે.ચાવડાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, અત્યારે લાયસન્સના રિન્યુઅલ માટેની અરજીઓ ખૂબ વધી ગઈ છે. રોજેરોજની અરજીઓની સંખ્યા અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે.રિન્યૂઅલ માટેની અરજીઓ હોય છે, તેમાં મોટાભાગે ડુપ્લીકેટ લાયસન્સ મેળવવા માટેની અને લાયસન્સ ગુમ થયું હોય તેવા કારણોસરની છે. નવા લાયસન્સ માટેની અરજીઓનું પ્રમાણ જળવાઈ રહ્યું છે.
દરમિયાન પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) મેળવવાનું અને હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાની કામગીરી અંગે વિચારણા કરી મુદતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. તે મુજબ પીયુસીની મુદત તા. 16 સપ્ટેમ્બરને બદલે તા. 30 સપ્ટેમ્બર સુધી અને એચએસઆરપી લગાવવાની મુદતમાં એક માસનો વધારો કરવામાં આવેલ છે. એચએસઆરપી લગાવવાની મુદત તા. 16 ઓક્ટોબર સુધી લંબાવાય છે. જોકે, આટલો સમયગાળો પણ અપુરતો છે તેવો ગણગણાટ ચાલી રહયો છે.