બગોદરા પાસે 60 વર્ષ જૂનો ભોગાવો બ્રિજ જર્જરિત થતાં સળિયા દેખાયા

- બ્રિજ ઉપર મસમોટા ખાડા પડતાં વાહન ચાલકોને હાલાકી
- સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડાતા બ્રિજ પર દૈનિક હજારો વાહનની અવરજવર : દુર્ઘટના સર્જાય તો જવાબાદાર કોણ?
પાંચ વર્ષથી વધુ સમયથી હાઈવે પર નવીનીકરણ થઈ રહેલા પુલનું કામ ચાલુ છતાં પુરૂ થતું નથી ઃ સમારાકામ માટે વારંવાર રજૂઆત
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે નંબર ૪૭ પર ૨૪ કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, તેના પર બગોદરા ગામ નજીક આવેલો ભોગાવો નદીનો બ્રિજ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. ૬૦ વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ હાલમાં અત્યંત જર્જરિત સ્થિતિમાં છે. બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અને તેના પોપડા પડી રહ્યા છેે.
આશરે ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા છે, જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. આ ખાડાઓથી વાહનચાલકોને મુશ્કેેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધે છે.
બીજી તરફ હાઇવે પર પાંચ વર્ષથી નવા બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. આમ છતાં, તંત્ર દ્વારા આ બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. જો આવી જર્જરિત સ્થિતિને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોની હશે? જનતા અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને, તંત્રને તાત્કાલિક આ બ્રિજનું નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા ફેરબાંધણી કરવા માટે પગલાં લેવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના એક મહિલા નેતાએ પુલ ઉપરના ખાડાઓ અને ટ્રાફિક સમસ્યાનો એક વિડીયો વાયરલ કર્યોે હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી.









