Gujarat

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે

By GS TEAM
1 Nov 20252 mins read
એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે

વડોદરાઃ સોશ્યલ મીડિયા અને મોબાઈલના યુગમાં વિદ્યાર્થીઓને ક્લાસરુમ સુધી ખેંચી લાવવાનું કામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા  શિક્ષકો માટે પડકારજનક બની રહ્યું છે.એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચેના સબંધ પર થયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે, ૬૦ ટકા વિદ્યાર્થીઓ ક્યારેક જ લેકચર એટેન્ડ કરે છે અને તેમાં પણ નિયમિત રીતે તમામ વર્ગોમાં લેકચર માટે હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા તો માત્ર ૧૦ જ ટકા છે.

યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિકસ વિભાગના માસ્ટર્સના વિદ્યાર્થીઓ રંજન ઠાકુર, રેવંત કુમાર, માનવ જાધવ અને સૌરભ વર્માએ  વરિષ્ઠ અધ્યાપક ડો.કે મુરલીધરનના માર્ગદર્શન હેઠળ આ સર્વે હાથ ધરવા માટે વિવિધ ફેકલ્ટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ભણતા ૨૨૫ વિદ્યાર્થીઓના અભિપ્રાય લીધા હતા.

આ સર્વેમાં ૫૭ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, અધ્યાપકોની ભણાવવાની પધ્ધતિ અમને રસપ્રદ લાગતી નથી.તો કેટલાક સેલ્ફ સ્ટડી પર એટલે કે જાતે અભ્યાસ કરી લેતા હોવાના કારણે લેકચર નહીં એટેન્ડ કરતા હોવાનું તો કેટલાકે પ્રેક્ટિકલ આધારિત ક્લાસ નહીં લેવાતા હોવાથી ક્લાસમાં નહીં જતા હોવાનું કારણ આપ્યું હતું.

૬૫ ટકાના મતે લેકચરનો સમય એક જ કલાકનો હોવો જોઈએ 

--૬૫ ટકા વિદ્યાર્થીઓએ એવુ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે, લેકચરનો સમય એક જ કલાકનો હોવો જોઈએ.માત્ર ૧૫ ટકા વિદ્યાર્થીઓએ દોઢ કલાકના લેકચરમાં બેસવાની તૈયારી દર્શાવી હતી.

--૭૮ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જુનિયર અધ્યાપકોએ લેકચર માટે વધારે તૈયારી કરવાની જરુર હોય તેમ લાગે છે.

--૮૮ ટકાએ જણાવ્યું હતું કે, અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પર અધ્યાપકો વધારે ધ્યાન આપે તે જરુરી છે.

--૨૭ ટકા વિદ્યાર્થીઓએ જુનિયર લેકચરરોને સરેરાશ ગણાવ્યા હતા અને ૨૪ ટકાએ કહ્યું હતું કે, તેમણે સુધારો કરવાની જરુર છે.

૭૦ ટકાને અંગ્રેજી માધ્યમના શિક્ષણથી પરેશાની નથી

વિદ્યાર્થીઓ માટે અધ્યાપકો આસાનીથી ઉપલબ્ધ, સ્ટડી મટિરિયલ પણ મળી રહે છે

વિદ્યાર્થીઓએ આ સર્વેમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં કેટલાક હકારાત્મક પાસા પર પ્રકાશ પાડયો હતો.જેમ કે 

--૭૦ ટકા વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં લેવાતા લેકચરથી કોઈ પરેશાની કે તકલીફ નહીં પડતી હોવાનું જણાવ્યું હતું.

--૬૪ ટકા વિદ્યાર્થીઓને લેકચર દરમિયાન કે લેકચર પછી પ્રશ્નો પૂછવામાં કોઈ તકલીફ પડતી  નથી

--૭૩ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સ્ટડી મટિરિયલ આસાનીથી મળી રહે છે અને તેને સમજવામાં પણ મુશ્કેલી પડતી નથી.

--૭૦ ટકા વિદ્યાર્થીઓના મતે કોઈ મૂંઝવણ હોય તો તેના ઉકેલ માટે અધ્યાપકોને આસાનીથી મળી શકાય છે.

--૪૯ ટકા વિદ્યાર્થીઓના કહેવા અનુસાર અધ્યાપકો અભ્યાસની સાથે વ્યક્તિગત અને કારકિર્દી સબંધી પ્રશ્નો માટે મદદરુપ થાય છે

--૫૩ ટકા વિદ્યાર્થીઓ માને છે કે, અધ્યાપકો રિસર્ચ પ્રોજેકટ, ઈન્ટર્નશિપ જેવી પ્રેક્ટિકલ શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહન આપે છે.