- નુકસાનીનું વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત
- ગામનું પ્રમોલીગેશન પૂર્ણ નહીં થતાં અનેક સર્વે નંબર કૃષિ પ્રગતિ એપમાં દર્શાવતો નથી
ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૦૬ દિવસથી કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં પણ પડી રહેલા કમોસમી વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકશાની પહોચી છે. કોંઢ ગ્રામ પંચાયત દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકસાની અંગે વળતર ચૂકવવા રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે.
કોંઢ ગામમાં છેલ્લા છ-સાત દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે. ગામના અનેક ખેડૂતોએ મહામહેનતે કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું અને સારા ભાવો મળવાની આશ લાઝી લઈ બેઠા હતા પરંતુ કુદરત પણ જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ કમોસમી વરસાદથી અંદાજે ૬૦ ટકાથી વધુ કપાસ તેમજ મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ એક તરફ રવિ પાકની વાવણીનો સમય થઈ ગયો છે. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા ઓનલાઈન પાક નુકસાની સર્વેની સરકારની ભલામણ કરેલી એપ્લિકેશન કૃષિ પ્રગતિનું સર્વર ડાઉન હોવાથી અને કોંઢ ગામનું પ્રમોલીગેશન પૂર્ણ નહીં હોવાથી ગામના અનેક સર્વે નંબરો એપમાં દર્શાવવામાં આવતા નથી જેના કારણે સર્વે પણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આથી કોંઢ ગામના ખેડૂતોને થયેલ નુકસાની અંગે યોગ્ય અને સચોટ રીતે સર્વે કરવામાં આવે તેવી માંગ સાથે કોંઢ ગ્રામ પંચાયત દ્વારા કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.


