સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સ તથા કોલકોત્તાના ટ્રાન્સપોર્ટરની 60 લાખના GST ચોરી ઝડપાઈ
DGGIની ટીમે કોલકોત્તાની મે.કનૈયા કાર્ગો મુવર્સ તથા ટેક્સટાઈલ ટ્રેડર્સના મેળા પિપણામાં બોગસ દસ્તાવેજોના આધારે આચરવામાં આવતી જીએસટી ચોરીનો પર્દાફાશ કર્યો
સુરત,તા.22 જુલાઈ 2020 બુધવાર
સુરત ડીજીજીઆઈની ટીમે આજે સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સ તથા કોલકોત્તાની મે.કનૈયા કાર્ગો મુવર્સ વચ્ચે બોગસ દસ્તાવેજોના આધારે આચરવામાં આવતી પ્રારંભિક તબક્કે રૃ. 60 લાખની જીએસટી ચોરી ઝડપી પાડી છે.તદુપરાંત ટેક્સટાઈલ મશીનરીના ઉત્પાદકના ધંધાકીય સ્થળો પર પણ તપાસ હાથ ધરીને કુલ રૃ.80 લાખની જીએસટી ચોરી ઝડપી સ્થળ પરથી રૃ.68 લાખની વસુલાત કરી હોવાની વિગતો સાંપડી છે.
ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિઝન્સ(ડીજીજીઆઈ)સુરત ઝોન યુનિટને મળેલી બાતમીના આધારે સુરત ખાતે બ્રાંચ ધરાવતી કોલકોત્તાની ટ્રાન્સપોર્ટર કંપની મે.કનૈયા કાર્ગો મુવર્સના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.જે ટ્રાન્સપોર્ટર કંપની દ્વારા સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સને કોલકોત્તાથી માલ સામાનની ખરીદી તથા રીટર્ન અંગે બોગસ દસ્તાવેજો પુરા પાડીને ખોટી રીતે જીએસટી ક્રેડીટ વસુલવામાં મદદ કરતા હોવાનું બહાર આવ્યું છે.ટ્રાન્સપોર્ટર દ્વારા બોગસ ડીલીવરી ચલણ બદલામાં આ વેપારીઓના એજન્ટ મારફતે રોકડમાં કમિશન મેળવતા હતા.એજન્ટ દ્વારા 1.5 થી 2 ટકા કમિશન આ કેશ રીટર્ન પર મેળવવામાં આવતું હતુ.જેથી એજન્ટના ધંધાકીય સ્થળ પરથી 20 લાખ રોકડ કબજે કરવા સાથે 60 લાખની જીએસટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ટ્રાન્સપોર્ટ કંપનીની બ્રાંચ ઓફીસ તથા એજન્ટના ધંધાકીય સ્થળો પરથી કબજે કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે વધુ ટેક્સટાઈલ ટ્રેડર્સ સંકળાયેલા હોવાનું નકારી શકાય તેમ નથી.પ્રારંભિક તપાસમાં બોગસ રીટર્ન તથા માલ ખરીદીના દસ્તાવેજોના આધારે અંદાજે 150 કરોડની જીએસટી ચોરી આચરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
ડીજીજીઆઈની ટીમે ટેક્સટાઈલ મશીનરીના ઉત્પાદન સાથે સંકળાયેલા એક ઉત્પાદક પેઢી પર પણ તપાસ હાથ ધરી છે.જે દરમિયાન પ્રારંભિક તપાસમાં ટેક્સટાઈલ મશીનરીના ઉત્પાદક દ્વારા પોતાની અંતિમ પ્રોડક્ટનું અંડર વેલ્યુએશન કરીને 80લાખની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે.જે પૈકી68 લાખ સ્થળ પરથી વસુલ કરી વધુ તપાસ જારી રાખવામાં આવી છે.