Gujarat

આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું

By GS TEAM
15 Oct 20251 min read
આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું

- બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખૂશી

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મંગળવારના રોજ પુષ્યનક્ષત્રને લઈ સોના-ચાંદીના આભુષણોની સારી ઘરાકી નીકળી હતી. 

આણંદ શહેર સહિત જિલ્લાભરમાંથી આશરે ૫૦ થી ૬૦ કિલો સોનાનું વેચાણ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. 

પર્વોની શ્રેણી દિપાવલી પર્વ પહેલા આવતા પુષ્યનક્ષત્રના દિવસને ચોપડા પુજન માટે ચોપડા તેમજ સૌના-ચાંદી, મકાન, વાહન કે અન્ય મિલ્કતોની ખરીદી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સાથે સાથે આ દિવસે સોનાની ખરીદી કરવામાંથી સમૃધ્ધિમાં વધારો થતો હોવાની લોકવાયકાને લઈ મંગળવારે પુષ્યનક્ષત્રના દિવસે શહેર સહિત જિલ્લાભરમાં સોનાની ખરીદી નીકળી હતી. 

જો કે ચાલુ વર્ષે સોનાનો ભાવ એક તોલાના ૧.૩૦ લાખ આસપાસ રહેતા ગ્રાહકોની ખરીદ શક્તિને અસર પહોંચતા સોનાનું વેચાણ ઘટવા પામ્યું હતું. જો કે આ શુભ દિવસે લોકોએ યથાશક્તિ સોનાની ખરીદી કરી હતી. બીજી તરફ જિલ્લાના વિવિધ વેપારીઓએ ધંધા-રોજગાર માટેના હિસાબ રાખવા માટે જરૂરી ચોપડા તેમજ અન્ય મિલ્કતોની ખરીદી આજે કરવામાં આવી હતી. હાલ ટેકનોલોજીના યુગમાં હિસાબો મોટાભાગે કોમ્પ્યુટર ઉપર રાખવામાં આવતા હોવા છતાં કેટલાક વેપારીઓએ આજે શુભ મહુર્તમાં વેપાર-ધંધા માટે જરૂરી ચોપડાની ખરીદી કરી હતી.