ધૃ્રમઠ ગામમાં જુગારની બાજી માંડી બેઠલાં 6 શકુની ઝડપાયા
ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીનો દરોડો
રોકડ, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૃા.૮૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ધ્રાંગધ્રાના ધૃ્રમઠ ગામેથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ સહિતના ૮૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો સામે ગુનો નોંધી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે ધ્રાંગધ્રાના ધૃ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા મોબતસિંહ હરિસિંહ પરમાર, કાળુભાઈ કેસાભાઈ ઝીંઝુવાડીયા, હનિફભાઈ રસુલભાઈ સીપાઈ, નાનજીભાઈ રાધવજીભાઈ પટેલ, ઘનશ્યામસિંહ લાલુભા પરમાર અને ચતુરભાઈ લધરભાઈ પરમાર (તમામ રહે.ધૃ્રમઠ,તા.ધ્રાંગધ્રા)ને રોકડ રૃા.૧૭,૬૦૦, ૪ નંગ મોબાઈલ કિં.રૃા.૨૦,૦૦૦ અને બાઈક કિં.રૃા.૫૦,૦૦૦ સહિત કુલ રૃા.૮૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક શખ્સ અલ્તાફ મહંમદભાઈ (રહે.ધૃ્રમઠ) હાજર મળી આવ્યો નહોતો. તમામ શખ્સો વિરૃધ્ધ એલસીબી પોલીસે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા જુગાર ઝડપાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.