Gujarat

અમદાવાદથી રાજકોટ સુધી લંબાવેલી 6 ટ્રેનોને લીલીઝંડી છતાં દોડતી નથી

By GS TEAM
13 Mar 20262 mins read
અમદાવાદથી રાજકોટ સુધી લંબાવેલી 6 ટ્રેનોને લીલીઝંડી છતાં દોડતી નથી

અઢી વર્ષથી રેલવે મંત્રાલયના આદેશનો ઉલાળિયો : રાજકોટ-સૌરાષ્ટ્રને દિલ્હી સહિત પાંચ રાજ્યો સાથે જોડતી મહત્વની રેલસેવાને કાગળ પરથી આગળ લાવવામાં સાંસદો સદંતર નિષ્ફળ

રાજકોટ, : રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રેલસેવામાં હંમેશા અન્યાય થતો આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માત્ર બે વંદે ભારત ટ્રેન સિવાય સૌરાષ્ટ્રને કંઈ મળ્યું નથી. આશ્ચર્યની વાત છે કે અમદાવાદથી રાજકોટ સુધી લંબાવેલી 6 ટ્રેનોને અઢી વર્ષ પહેલાં રેલવે મંત્રાલય તરફથી લીલીઝંડી આપી દેવામાં આવી હોવા છતાં એ આદેશનો ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે. ખાસ તો રાજકોટ-સૌરાષ્ટ્રને ૫ાંચ રાજ્યો સાથે જોડતી મહત્વની રેલસેવાને કાગળ પરથી આગળ લાવવામાં સાંસદો સરેઆમ નિષ્ફળ નિવડયા છે. વળી, અમદાવાદ-રાજકોટ રેલવે ડિવિઝન કોઈ નક્કર કારણ આપવાના બદલે ઉડાવ જવાબ સાથે જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રવાસીઓને લાંબા અંતરની ટ્રેનો ફાળવવાની વર્ષોથી કરવામાં આવતી માંગણીને અંતે વર્ષ-૨૦૨૨માં અમદાવાદ સુધી આવતી પટના, પ્રયાગરાજ, કોલકાતા, વારાણસી, યશવંતપુર, કોલ્હાપુર, પુણે, નાગપુર, હઝરત નિઝામુદ્દીન અને ચેન્નાઈ એમ 10 ટ્રેનોની નવા સમયપત્ર સાથેની વિસ્તૃત દરખાસ્ત રેલવે મંત્રાલયને મોકલવામાં આવી હતી. જેના પગલે સપ્ટેમ્બર-૨૦૨૩માં રેલવે મંત્રાલય દ્વારા સત્તાવાર આદેશ કરવામાં આવ્યો કે, અમદાવાદ સુધી ચાલતી પ્રયાગરાજ, પટના, કોલકાતા, કોલ્હાપુર, નાગપુર અને હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ એમ ૬ જોડી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવે છે. જેની ખુદ રેલવે મંત્રીએ જાહેરાત કરી અને વિસ્તૃત સમયપત્રક પણ તૈયાર કરીને સ્થાનિક રેલવે તંત્રને મોકલી દેવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે આજે અઢી વર્ષ જેવો સમય થવા છતાં એકપણ ટ્રેન દોડાવવામાં આવી નથી. 

રાજકોટની રેલવે કનેક્ટિવિટી માટે ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય હતો, જેનાથી દેશના વિવિધ રાજ્યો બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હી સાથે રાજકોટ સીધું જોડાઈ જવાનું હતું, પણ અમલવારી થઈ જ નહીં. રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોને આ મહત્વનાં ફેરફારથી હવે અમદાવાદ સુધી લાંબા થવાને બદલે સીધી જ પટના, પુણે, કોલકાતા અને ચેન્નાઈ જેવી લાંબા અંતરની ટ્રેનો રાજકોટથી જ મળી રહેશે, એવી આશા હતી પણ અઢી વર્ષથી ફળીભૂત થતી નથી અને તેને કાગળ પરથી આગળ લાવવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં સાંસદો પણ સદંતર નિષ્ફળ નીવડયા છે. હવે ઈલેક્ટ્રિફિકેશન અને ડબલ ટ્રેક સહિતનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે ઊનાળુ વેકેશન પહેલા એ ટ્રેનો રાજકોટ સુધી લંબાવી દેવામાં આવે એવી મુસાફરોની માગણી-લાગણી છે.