Gujarat

સુરતના રાંદેર વિસ્તારમાં એક જ મકાનમાં છ શાળા ચાલે છે, ઓરડાના અભાવે બાળકો લોબીમાં અભ્યાસ કરવા મજબૂર

By GS TEAM
16 Jul 20252 mins read
TukuTouch Logo
એક જ બિલ્ડીંગમાં છ શાળાના વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી : બે શાળા જર્જરિત થતાં શાળામાં કર્યું સ્થળાંતર, હજી જર્જરિત શાળાનું સમારકામ શરૂ નથી કર્યું : વિપક્ષ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના રાંદેર વિસ્તારમાં એક જ મકાનમાં છ શાળા ચાલે છે, ઓરડાના અભાવે બાળકો લોબીમાં અભ્યાસ કરવા મજબૂર

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર કરોડ કરતાં વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એક હજાર કરોડ કરતાં વધુનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિમાં એક શાળા ભવન એવું છે જેમા એક બે નહી પરંતુ છ-છ શાળા બે પાળીમાં ચાલે છે. ઓરડાની અછત વચ્ચે એક ભવનમાં છ શાળા ચાલતી હોય વિદ્યાર્થીઓએ ચોમાસાની સિઝનમાં પણ લોબીમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. 

સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળા સત્ર શરૂ થયાં બાદ મોટા ઉપાડે પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. પરંતુ સુરત પાલિકાની શાળામાં 1400 થી વધુ શિક્ષકોની ઘટ છે અને હવે તો શાળા ભવનની પણ અછત હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ સમિતિના વિપક્ષના નેતા રાકેશ હીરપરાએ શાસકો સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, શિક્ષણમંત્રીના સુરત શહેરમાં એક જ મકાનમાં છ છ સરકારી શાળાઓ ચાલી રહી છે. જેના કારણે ઓરડાના અભાવે ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબુર બન્યા છે. 

આ છ પૈકીની ચાર શાળાના બે મકાનો જર્જરીત હાલતમાં છે એટલે એ ચાર શાળાના બાળકોને આ શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોકે સ્થળાંતર બાદ પણ જર્જરિત શાળા ભવન નવા બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ જર્જરિત મકાન ઉતારવાની કામગીરી પણ હજી શરૂ કરવામાં આવી નથી. એક શાળા ભવનમાં બે પાળીમાં છ શાળા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. ભાજપ શાસકો પ્રવેશોત્સવના તાયફા કરે છે અને બદલે શિક્ષકોની ભરતી અને શાળાના મકાન તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગણી તેઓએ કરી છે. 

એક ભવનમાં આ છ શાળા ચાલે છે 

161 - શ્રી ઝીણાભાઈ નાવિક પ્રાથમિક શાળા

166 - શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા

167 - શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી પ્રાથમિક શાળા

168 - શ્રી ભગિની નિવેદિતા પ્રાથમિક શાળા

263 - શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે પ્રાથમિક શાળા

338 - શ્રી પ્રિયકાંત મણિયાર પ્રાથમિક શાળા