Gujarat

બોટાદમાં યુવાનની હત્યા કરનાર 6 ઇસમ રિમાન્ડ પર

By GS TEAM
17 Jun 20252 mins read
બોટાદમાં યુવાનની હત્યા કરનાર 6 ઇસમ રિમાન્ડ પર

- સગીરને રાજકોટ જુએનાઈલ હોમ ખાતે મોકલાયો

- 5 દિવસ પૂર્વે નજીવી તકરારમાં 7 લોકોએ યુવકની હત્યા કરી હતી

ભાવનગુર : બોટાદમાં છ દિવસ પૂર્વે નજીવી બાબતે યુવક પર છરી વડે હુમલો કરી કરપીણ હત્યા કરી દીધાંના બનાવમાં સાત શખ્સો સામે નોધાયેલી ફરિયાદના આધારે બોટાદ પોલીસે સગીર સહિત સાતને ઝડપી લીધા હતા.અને છ શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બોટાદના પાળિયાદ રોડ પર આવેલાં આનંદધામ ગ્રીનસિટીમાં રહેતા અને સાયલાના ગરાંભડી ગામે ખેતી કામ કરતાં ૩૮ વર્ષીય યુવાન જગદીશભાઈ રતિલાલ મહેતાએ ગત મંગળવારે સાંજે ગઢડા રોડ પર આવેલાં હેતલબેન સોલંકીના મકાને મિત્રો નરેશ ચાવડા સહિતના સાથે જમણવારમાં ગયા હતા.જ્યાં હેતલબેનની પુત્રીના પ્રેમલગ્નના સમાધાન બાબતે ઝઘડો થતાં સાત શખ્સો દ્વારા જગદીશભાઈ પર હુમલો કરી મોત નિપજાવ્યું હતું. આ બનાવ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.બોટાદ પોલીસે નરેશ મનુભાઈ ચાવડા, ભગીરથ ઉર્ફે ભગી ભાભલુંભાઈ ચાવડા, અનિરૂદ્ધ ઉર્ફે પોપટ ચાવડા, નાગરાજ ભાભલુભાઈ ચાવડા, યોગશ પ્રતાપભાઈ ચાવડા (રહે.તમામ આંકડીયા, તા.વિંછિયા, જિ.રાજકોટ) અને વનરાજ આપભાઈ ખાચર (રહે.મોટી વાવડી, તા.રાણપુર) સગીર સહિત સાતને બોટાદ પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે છ શખ્સને છ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.તેમજ સગીરને જ્યુએનાઈલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું બોટાદ પોલીસ મથકના પીઆઈ ખરાડીએ જણાવ્યું હતું.