Get The App

ઢાંકણીયા ગામે યુવાનની હત્યા કરનાર 6 શખ્સને આજીવન કેદ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
ઢાંકણીયા ગામે યુવાનની હત્યા કરનાર 6 શખ્સને આજીવન કેદ 1 - image

- બાઈક ચલાવવા બાબતે ઠપકો આપતા ગળુંકાપી ખૂન કરેલું

- ચકચારી કેસમાં એસઆઈટીની રચના, સરકારે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરેલી

બોટાદ : બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે ત્રણ વર્ષ પૂર્વે યુવાનને ઘરમાં ખેંચી લઈ ગળુંકાપીને કરપીણ હત્યાને અંજામ આપનાર ચાર હત્યારા શખ્સને આજીવન કેદની સજા મળી છે.

સજાની વિગત એવી છે કે, ઢાંકણિયા ગામના યુવાન નવઘણભાઈ ઝાલાભાઈ જોગરાણાએ ગત તા.૩-૨-૨૦૨૩ના રોજ બાઈક ચલાવવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી તે જ ગામે રહેતો ઈકબાલ ઉર્ફે ચકો હકુભાઈ રાઠોડ, દાઉદ રહિમભાઈ રાઠોડ, અમન ઈકબાલભાઈ રાઠોડ, સાજીદ ઈકબાલભાઈ રાઠોડ, બહાદુર હકુભાઈ રાઠોડ અને હકુ રહિમભાઈ રાઠોડ નામના શખ્સોએ નવઘણભાઈને પોતાના ઘરની અંદર ખેંચી પ્રાણઘાતક હથિયારોથી ગળુંકાપી હત્યા કરી નાંખી હતી. તેમજ અન્ય ત્રણ વ્યક્તિને પણ ગંભીર ઈજા કરી હતી. આ ચકચારી બનાવ અંગે તેજાભાઈ તોગાભાઈ જોગરાણા (રહે, ઢાંકણીયા)એ તમામ છ હત્યારા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એક્ટ ૧૩૫ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી એસઆઈટીની રચના કરી તપાસનો ધમધમાટ આગળ વધારી હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. મૃતકના પરિવારને ન્યાય  અને હત્યારાઓને કઠોરત્તમ સજા મળે તે માટે સરકારે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરી હતી. દરમિયાનમાં આ કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સ્પે.સરકારી વકીલ સી.કે.શાહ, મદદનીશ વકીલ મનોજસિંહ યાદવ અને મહેન્દ્રસિંહ ચૌહાણની ધારદાર દલીલો, ૩૪ દસ્તાવેજી પુરાવા, ૨૦ સાક્ષીઓને તપાસ્યા બાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે.પરાશરે ઉપરોક્ત તમામ આરોપી ઈકબાલ ઉર્ફે ચકો, દાઉદ, અમન, સાજીદ, બહાદુર અને હકુને આજીવન સખત કેદની સજા, રૂા.૫૦,૦૦૦નો દંડ તેમજ મૃતક નવઘણભાઈના વારસદારને યોગ્ય વળતર ચૂકવવા હુકમ કર્યો છે.